કોરોનાના દર્દીઓને બચાવવા અપાતા સ્ટિરોઇડથી શરીરના ન્યૂટ્રોફિલ ડિસફંક્શન થવાને લીધે મ્યૂકર માઇકોસિસના કેસ વધ્યા છે. સુરતની ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 100 જેટલા દર્દીમાંથી 20 દર્દીએ આંખો ગુમાવી છે. જ્યારે એક દર્દીનું મૃત્યુ થયું હોવાનું ડોક્ટરોનું કહેવું છે.

ચામડીનો રોગ હોય તો ખતરો વધારે
સંક્રમિત દર્દીઓને સ્ટિરોઇડ આપવાથી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાથી મ્યુકર માઈકોસિસનું ઇન્ફેક્શન ફેલાય છે. ડાયાબિટીસ, કેન્સર અથવા શરીરમાં કોઈ પણ પ્રકારની સર્જરી કે ચામડીના રોગ હોય તેવા દર્દીઓને આ રોગનું જોખમ વધુ હોય છે. સુરતની કિરણ હોસ્પિટલમાં વેન્ટીલેટર પર કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીને મ્યુકર માઈકોસીસ થતા તેમની આંખમાં ફંગસ ફેલાયું હતું. આંખ કાઢવામાં ન આવે તો મગજ સુધી આ ઈન્ફેકશન ફેલાવવાનો ખતરો હોવાથી ડોકટરોએ વેન્ટીલેટર પર જ સર્જરી કરી આંખ કાઢી લીધી હતી.

મ્યુકર માઈકોસીસ શું છે?
કોરોના સામે લડતા દર્દીઓમાં ફેફસામાં વાઈરસ વધુ સક્રિય થાય ત્યારે સાઈકોટાઈમ સ્ટ્રોમનું જોખમ ઉભું થાય છે. તેને ઓછું કરવા માટે જે સ્ટીરોઈડનો ઉપયોગ થાય છે તેના કારણે મ્યુકર માઈકોસીસ થાય છે. આ રોગની શરૂઆત નાક અને ગળામાંથી થાય છે. ફંગસ થતા નાક ભરાઈ જાય અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ ફંગસ આંખ, ફેફસા અને મગજ સુધી પહોંચી જાય છે. વાતાવરણમાં રહેલી આ એક પ્રકારની ફૂગ હોય છે.

કિસ્સો 1: દાંતમાં પણ ઇન્ફેક્શન હતું
ખાનગી હોસ્પિટલમાં 55 વર્ષના દર્દીને સુગરની બિમારી ઉપરાંત કોરોના થયો હતો. આંખમાં દુ:ખાવો થતા આંખ કાઢવી પડે તેમ હતી પણ પરિવારજનોએ ના પાડી હતી. જેથી ઇન્ફેક્શન મગજમાં જતા તેમનું મોત થયું હતું.

કિસ્સો 2: જડબાની સર્જરી કરવી પડી
વરાછાના 60 વર્ષીય વ્યકિત કોરોનામાંથી સાજા થયા પછી આંખમાં દુ:ખાવો થયો હતો. તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ એમઆરઆઈ રિપોર્ટ કરાવતા ઈન્ફેકશન નાક, જડબા અને આંખ સુધી પહોંચી ગયુ હતુ. જેથી ડોકટરોએ સર્જરી કરવી પડી હતી.

સ્ટિરોઇડ આપવાથી ન્યૂટ્રોફિલ ડિસ્ફંકશન થતા કેસ વધે છે
કોરોનામાં દર્દીનું ઓક્સિજન જાળવવા સ્ટિરોઇડ આપવા પડે છે. સ્ટિરોઇડ આપવાથી દર્દીની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. જેથી શરીરના ન્યૂટ્રોફિલ ડિસ્ફંક્શન થઇ જાય છે. જેથી મ્યુકર માઇકોસિસના કેસ વધ્યા છે. – ડો. પ્રતિક સાવજ, ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ

25 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, જીવ બચાવવા 10 દર્દીની આંખો કાઢવી પડી
અમારી હોસ્પિટલમાં મ્યુકર માઈકોસીસના 25 દર્દીઓ દાખલ છે. જેમાંથી 10 દર્દીની આંખો કાઢવી પડી હતી. કોરોનાથી સાજા થયેલા વ્યક્તિઓ કાળજી નહીં રાખે તો તેમને આ બિમારી થઈ શકે છે. શરૂઆતમાં ધ્યાન રાખવામાં આવે તો તેનો ઇલાજ શક્ય છે. – ડો.સંકિત શાહ, આઈ સ્પેશિયાલિસ્ટ

આ બીમારીના લક્ષણો શું છે

1. શ્વાસ લેવામાં તકલીફ

2. આંખ ઝીણી થવી અથવા ચહેરા પર એક બાજુ સોજો આવવો

3. માથાનો દુ:ખાવો, તાવ, નાક ભરાઈ જવું

4. મો તેમજ નાકની અંદરની બાજુની સાઈડે કાળાં નિશાન પડી જવા

5. છાતી, પેટમાં દુ:ખાવો અથવા વોમીટીંગ થવી

તકેદારી શું રાખવી જોઈએ

1. એન-95 માસ્ક પહેરી વાતાવરણથી થતા ઈન્ફેકશનથી બચવું

2. ધૂળ અને પાણીના ભેજથી દૂર રહેવું

3. શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવાં જોઈએ

4. સ્કીન પર ઈજા અથવા ચામડી કપાઈ ગઈ હોય તો તાત્કાલિક ડેટોલવાળા પાણીથી ઘાને ધોઈ નાખવો જોઈએ.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page