કોરોના થતા વતનમાં ગયા અને બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું
હળવદ : હળવદ કોર્ટના સિનિયર ક્લાર્કને કોરોના થયા બાદ વતન રાજસ્થાન જતા પાછળથી બંધ પડેલા તેમના રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવી ૧૦થી ૧૨તોલા સોનાના દાગીના અને તેમના પુત્રની બે વર્ષની બચતનો ગલ્લો તસ્કરો ચોરી જતા હળવદ પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ કોર્ટમાં સિનિયર ક્લાર્કની ફરજ બજાવતાં અને શહેરના જાની ફળી વિસ્તારમાં રહેતા યોગેશસિંહ ચૌહાણ કોરોનાથી સંક્રમિત થતાં તેઓ પરિવાર સાથે તેઓના વતન રાજસ્થાન ગયા હતા. જો કે પોતે સ્વસ્થ થઇ જતા પરિવાર સાથે હળવદ પોતાના ઘરે પરત ફરતા ઘરમાં ચોરી થયાનું સામે આવ્યું હતું.
તસ્કરોએ રહેણાંક મકાનમાં રહેલ સોનાના ૧૦ થી ૧૨ તોલા દાગીના અને પુત્ર દ્વારા બે વર્ષથી બચત કરેલ ગલ્લાની ચોરી થયાનું સામે આવ્યું છે. બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે સાચી હકીકત તો પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જ બહાર આવશે.