ઘણી વખત રાજકીય પક્ષના નેતાઓના નામ પર ફેક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. ત્યારે આવી જ એક પોસ્ટ ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્યના નામ પર વાયરલ થઇ છે. આ પોસ્ટમાં ધારાસભ્ય લલિત વસોયાએ ચૂંટણી જીતીશ તો 135ના માવાના 12 રૂપિયામાંથી 5 રૂપિયા સરકાર પાસે કરાવીને પછી બીજા કામ કરવાના સોગંદ લીધા હોય તેવું લખાણ કરવામાં આવ્યું છે. ત્યારે આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ખુલાસો કર્યો હતો અને તેમને ધોરાજી ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
જે સોગંદનામુ વાયરલ થયું છે તેમાં લખવામાં આવ્યું છે કે, હું લલિત વસોયા સોગંદ લઉં છું કે હું ધોરાજી-ઉપલેટા વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી જીતી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવીશ તો હું 135 ના 12માંથી 5 રૂપિયા આ સરકાર પાસે કરાવીને પછી જ બીજું કામ કરીશ.
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, 2017માં જ્યારે હું ધારાસભાની ચૂંટણી લડતો હતો ત્યારે મેં મારા વિસ્તારના લોકોને એક સોગંદનામું કરીને ખાતરી આપી હતી. તેમાં મેં કહ્યું હતું કે, હું ધારાસભ્ય તરીકે ચૂંટાઈશ અને મને પગાર મળશે તે પગાર પર મારા મતદારોનો અધિકાર રહેશે. આ પગાર હું ગરીબ માણસોના આરોગ્ય માટે વાપરીશ. હું આ સોગંદનામાની અમલવારી કરું છું. પરંતુ અમારા ધોરાજી ભાજપનો આખો ઘાણવો દાજી ગયો છે. એટલે સારા કામની કદર કરવાના બદલે આ સોગંદનામામાં ફેરફાર કરીને અને 5 રૂપિયામાં 135નો માવો મળશે આવી પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકીને મને બદનામ કરવા માટે પ્રયત્ન કરે છે. મારા વિસ્તારના લોકો બધું જાણે છે. ધારાસભ્ય તરીકે મને મળતો પગાર અને ધારાસભ્ય તરીકેનું મારું ક્વાટર્સ ત્યાં જે લોકો આવે છે તેમને રહેવા અને જમવાની સુવિધા હું પૂરી પાડુ છું. પણ આ ટીખળખોર ટોળકી પોતાની માનસિકતા છતી કરે છે તેવું મને લાગે છે.
લલિત વસોયાએ અન્ય એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, ધારાસભ્ય ચૂંટણી 2017માં હું ધારાસભાની ચૂંટણી લડતો હતો ત્યારે મેં આ સોગંદનામું કર્યું ત્યારબાદ ત્રણ દિવસ પછી ભાજપના IT સેલ દ્વારા બોગસ સોગંદનામું વાયરલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મેં પોલીસમાં અરજી આપી હતી. ત્યારબાદ હું પોરબંદરમાં લોકસભાની ચૂંટણી લડતો હતો ત્યારે પણ ફરીથી આ સોગંદનામું સોશિયલ મીડિયામાં વાયરલ થયું. ત્યારે પણ મેં પોલીસમાં ફરિયાદ કરી. હવે જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી આવી છે ત્યારે આ બોગસ સોગંદનામાને ફરીથી વાયરલ કરવાનો ભાજપના IT સેલ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વખતે મેં ફરિયાદ એટલા માટે નથી કરી કે બે વખત પોલીસ ફરિયાદ કરવા છતાં પણ પોલીસે કોઈ પણ જાતના એક્શન નથી લીધા. હું માનું છું કે પોલીસ ફરિયાદ કરવાનો કોઈ મતલબ નથી.