ગુજરાતમાં તાઉતે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, ત્યારે PM નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ શરૂ કર્યું હતું. 1 કલાક ને 50 મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદમાં PMની મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ અનિલ મુકિમ, આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિ બેઠકમાં જોડાયા હતા.આ સમીક્ષા બેઠક બાદ પીએમ મોદીએ વાવાઝોડાને કારણે થયેલા કરોડોના નુકસાન સામે ગુજરાતને 1000 કરોડની પ્રારંભિક સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં વાવાઝોડા દરમિયાન મૃત્યુ પામેલાને રૂ.2 લાખનું અને ઈજાગ્રસ્તોને રૂ.50,000નું વળતર આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
સમીક્ષા બેઠકમાં ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વ ગ્રાહી સમીક્ષા અને પરિસ્થતિની વિગતો એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ તેમજ રાહત કમિશનર હર્ષદ પટેલ અને સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુક્લાએ આ બેઠકમાં ઉપસ્થિત રહી વડાપ્રધાનને રાજ્યની આ વાવાઝોડાની સ્થિતિનો ચિતાર આપ્યો હતો.
અમદાવાદ એરપોર્ટ પર ગુજસેલ સહિતના સ્ટાફના કોરોના ટેસ્ટ કરાયા
અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. પીએમ મોદીએ અમદાવાદ એરપોર્ટ પર સીએમ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
કોરોનાના વધતા કેસને લઈને અમદાવાદ એરપોર્ટ પર ગુજસેલ સહિતના સ્ટાફનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આમાં 106 વ્યક્તિના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જોકે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ગુજસેલની ફરતે ચુસ્ત સુરક્ષા-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાતમાં વરસાદ
વિનાશક ‘તાઉ-તે’ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયું એ બાદ અનેક જગ્યાઓએ વિનાશ વેરાયો છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં 8 કલાકની અંદર 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ઉપરાંત ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવાની સ્થિતિમાં રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે. રાજ્યમાં ભાવનગર, વલસાડ, સુરત, અમરેલી, ભરૂચ, આણંદ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે.
રાજ્યના 176 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા મુજબ, આજે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાના 176 તાલુકામાં તાઉ-તે વાવાઝોડાને કારણે સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે, જેમાં ભાવનગર તાલુકામાં 5 ઈંચ, ઉમરગામમાં 4.8 ઈંચ, ઓલપાડમાં 4.5 ઈંચ, રાજુલામાં 4 ઈંચ, બોટાદ તથા સુરત શહેરમાં 3.7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અમદાવાદમાં 3 ઈંચ, સિંહોરમાં 3.6, હાંસોટ, પાલિતાણા, પારડી અને વલ્લભીપુરમાં 2.9 ઈંચ, ઉમરાળામાં 2.7 ઈંચ, વાપીમાં 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો.
વાવાઝોડા અને વરસાદને કારણે ભાઈ-બહેનનાં મોત
અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં વાવાઝોડા અને વરસાદને કારણે બે ભાઈ-બહેનનાં મોત નીપજ્યાં છે. સાણંદ શહેરમાં જોરદાર વાવાઝોડાની અસરને કારણે પવન ફૂંકાઇ રહ્યો છે. દેવીપૂજક વાસમાં રહેતા વિષ્ણુભાઈ ચુનારા અને મંજુબેન ચુનારા નામનાં બે ભાઈ-બહેન ઘર પાસે હતાં. પવનને કારણે પતરું ઊડીને વીજળીના લાઈવ વાયર પર પડ્યું હતું. પતરું બંને ભાઈ-બહેનના પર પણ પડતાં તેમને કરંટ લાગ્યો હતો, જેથી બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. અમદાવાદ જિલ્લામાં ભારે પવન અને વરસાદથી છાપરાં અને કાચાં મકાન પણ ધરાશાયી થયાં હોવાના અહેવાલ મળ્યા છે.