અમદાવાદ : અમદાવાદમાં આવેલ જિમ આજથી ફરી એકવાર અનલોક થયા છે. સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ગાઈડલાઈનના પાલન સાથે જીમ ખોલી શકાશે. જીમ શરૂ થતાં ફરી લોકો સવારથી જિમમાં પરસેવો પાડતા નજરે પડ્યા છે. જિમમાં લોકોની ભીડ ભેગી ના થાય એ રીતે સંચાલકો દ્વારા આયોજન કરાયું છે. જિમમાં વધુ લોકો ભેગા ના થાય એ માટે દર કલાકે 15-15 લોકોના સ્લોટ નક્કી કરાયા છે. તેમજ કેટલાક જિમમાં વેક્સીન લીધી હોય એને જ જિમમાં પ્રવેશ આપવામાં આવશે તે પ્રકારે તૈયારીઓ કરવા અંગે સંચાલકો વિચારી રહ્યાં છે.
રાજ્માં ધાર્મિક સ્થળો, બાગ-બગીચાઓ અને જીમ ખુલશે, હોટલમાં 50 ટકા કેપેસિટી સાથે સીટીંગ શરૂ થશે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટ (unlock gujarat) સાથે અમદાવાદની ઓળખ સમો રિવરફ્રન્ટ, કાંકરિયા લેક શરૂ કરવામાં આવ્યો છે. તો સાથે જ જગન્નાથ મંદિરના દરવાજા પણ ભક્તો માટે ખોલી દેવાયા છે. અનલોક અમદાવાદમાં આજથી જીમ પણ ફરી ધમધમતા શરૂ થયા છે.
અમદાવાદનું જગન્નાથ મંદિર પણ આજથી ભક્તો માટે ખુલ્લુ કરવામાં આવ્યું છે. કોરોનાની ગાઇડ લાઈનના પાલન સાથે જગન્નાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. મંદિરના મુખ્ય દ્વાર પર સેનેટાઈઝ ટનલ બનાવવામાં આવી છે. સાથે જ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે બોર્ડ લગાવવામાં આવ્યા છે.
કાંકરિયા ત્રણ મહિના બાદ ખૂલ્યું
કોરોનાના કેસો ઘટતાં રાજ્ય સરકારે કેટલીક ગતિવિધિઓ માટે છૂટછાટ આપી છે. અમદાવાદમાં આવેલા કાંકરિયા લેક્ફ્રન્ટમાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા છે. સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન કાંકરિયા લેક્ફ્રન્ટ હાલ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. જો કે કાંકરિયા લેક્ફ્રન્ટમાં આવેલા કેટલાક લોકો માસ્ક વગર પણ ફરતા જોવા મળ્યા. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં લેક્ફ્રન્ટમાં આવેલ શહેરીજનોએ કહ્યું કે, લોકોએ જાતે જ સમજવું પડશે. ત્રીજી લહેરથી બચવા લોકો માસ્ક પહેરે એ ખૂબ જ જરૂરી છે.
રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક કરવા પહોંચ્યા લોકો
કોરોનાનું સંક્રમણ વધતા 18 માર્ચથી અમદાવાદના 283 બાગબગીચાઓ બંધ કરી દેવાયા હતા. પરંતુ આજથી છૂટછાટ મળતા અમદાવાદમાં બગીચા, મોલ. જીમ ધીરે ધીરે ખૂલી રહ્યાં છે. સાબરમતી રિવરફ્રન્ટ મોર્નિંગ વોક માટે ખોલવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ પુન શરૂ થતા જ લોકો સવારે વોક કરવા માટે તથા સાયકલિંગ કરવા માટે આવી રહ્યા છે. જોકે આજે રિવરફ્રન્ટ પર લોકોની ઓછી ભીડ જોવા મળી રહી છે. અમદાવાદ રિવરફ્રન્ટ પુન શરૂ થતાં અમદાવાદીઓમાં આનંદની લેહેર જોવા મળી રહી છે.