ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા બનતા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસોની સાથે-સાથે મૃત્યુઆંકમાં વધારો થયો છે. તો બીજી તરફ હવે કોરોના બાદ મ્યુકરમાઇકોસિસના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. કોરોના બાદ હવે આ રોગ ખૂબ જ ઝડપથી રાજ્યમાં ફેલાઈ રહ્યો છે. તો બીજી તરફ આ રોગની સારવાર માટે ઉપયોગમાં આવતા એવા ઇન્જેક્શનોની પણ માર્કેટમાં અછત છે.
કેટલાક ઇસમો લોકોની જરૂરિયાતનો લાભ ઉઠાવીને તેમને ઇન્જેક્શન ડબલ ભાવે વેચાણ કરતા હોવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. ત્યારે ડ્રગ્સ ઇન્સ્પેકટર અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઇન્જેક્શનની કાળાબજારી કરતા 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. જે રીતે રેમડેસિવીર ઇન્જેક્શનની કાળાબજારીના કિસ્સાઓ સામે આવી રહ્યા હતા, તે જ રીતે મ્યુકરમાઇકોસિસની સારવારમાં ઉપયોગમાં આવતા એવા ઇન્જેક્શનોની કાળાબજારીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, મ્યુકરમાઇકોસિસ રોગની સારવાર માટે ઉપયોગમાં આવતા એવા એન્ફોટેરિસીન-બી નામના ઇન્જેક્શનનું વેચાણ પ્રજ્ઞેશ પટેલ અને સ્મિત રાવલ નામના બે ઈસમો બજાર કિંમત કરતા ઓછાં ભાવે કરી રહ્યા છે. તેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને આરોપીઓની ધરપકડ કરવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકા દરમિયાન પોલીસે પ્રજ્ઞેશ પટેલ, વશિષ્ઠ પટેલ, નીરવ પંચાલ અને સ્મિત રાવલ નામના ચાર આરોપીની ધરપકડ કરી હતી.
આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ 314.86 રૂપિયાની કિંમતે મળતું ઇન્જેક્શન 10,000 રૂપિયામાં વેચાણ કરતા હતા. આ ઇન્જેક્શન તેઓ હાર્દિક પટેલ નામના આરોપીની પાસેથી લાવતા હતા. હાલ પોલીસ આગામી દિવસોમાં આરોપીની પૂછપરછ કરીને જાણવાનો પ્રયાસ કરશે કે, આરોપીઓએ અત્યાર સુધીમાં ઇન્જેક્શન કોને-કોને વેચ્યા છે અને તેઓએ કઈ જગ્યા પર ઇન્જેકશનનો સંગ્રહ કર્યો છે. પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેમની પાસેથી મોબાઇલ, રોકડા રૂપિયા અને ઇન્જેક્શનનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.