અમદાવાદ : રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. જોકે હવે મેઘરાજા રિસાયા હોય તેવો ઘાટ છે. છેલ્લા 3 દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો નથી. અમદાવાદમાં પણ જૂન મહિનામાં વરસાદ શરૂ થયા બાદ છેલ્લા પાંચ દિવસથી વરસાદ પડ્યો નથી. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી મુજબ રાજ્યમાં 15 જુલાઈ સુધી રાજ્યમાં 20 મી.મી વધુ વરસાદ દેખાઇ રહ્યો છે.
ગુજરાતમાં ખરીફ સીઝનમાં ખેડુતોએ અત્યાર સુધીમાં 19.25 ટકા અથવા 25 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થઇ ચુકી છે. ખેડુતોને ચિંતા છે કે જો વરસાદ હજી પણ ખેંચાશે તો ખેડૂતોનો પાક સુકાઈ જશે. અત્રે નોંધનીય છે કે ચોમાસાએ આ વર્ષે ઓછા વરસાદ વચ્ચે હવે વિરામ લીધો છે.
જેના કારણે અનેક વિસ્તારોમાં ગરમી વધી છે. રાજધાની દિલ્હીમાં 1 જુલાઇએ તાપમાનનો પારો 43.5 ડિગ્રીને સ્પર્શી ગયો છે. 9 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે આ દિવસે ગરમી આટલા ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોનસુન પર બ્રેક લાગશે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન 4 મહિનામાં ચોમાસું રહે છે. આ ચોમાસા દરમિયાન પવનને કારણે દેશભરમાં વરસાદ પડે છે. જો કે, આ સમય દરમિયાન, એક કે બે અઠવાડિયાથી વરસાદ પર બ્રેક લાગતી હોય છે. જેને મોનસુન બ્રેક કહેવામાં આવે છે.