આંધ્ર પ્રદેશના તિરુપતિમાં ઓક્સિજન મળવામાં વિલંબ થતા લગભગ 11 કોરોના દર્દીઓના મોત થયા છે. એવું જાણવા મળી રહ્યું છે કે ઓક્સિજન ટેંકર પહોંચવામાં અમુક મિનિટનું મોડું થતા આ દુર્ઘટના બની છે. આ ઘટના તિરુપતિની શ્રી વેંકટેશ્વર રામનારાયણ રુઇયા સરકારી હોસ્પિટલની છે.
કલેકટરે આ મોતની પુષ્ટિ કરી છે. કલેકટર એમ.હરિ નારાયણે જણાવ્યું હતું કે ઓક્સિજનના અભાવે 11 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. ઉલલેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ હાલમાં જ કોરોના સ્થિતિની સમીક્ષા માટે બેઠક બોલાવી હતી. ત્યારે હવે મુખ્યમંત્રીએ આ ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે.
કલેકટરો 11 મોતની વાત કરી રહ્યા છે. જ્યારે, હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો.ભારતી કહે છે કે 9 કોરોના દર્દીઓ અને 3 નોન-કોવિડ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આ મુજબ, ત્યાં 12 લોકોના મોત થયા છે. જો કે, 5 દર્દીઓની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધવાની સંભાવના છે. ઘટના બાદ ચિત્તૂર જિલ્લા કલેક્ટર હરી નારાયણ, જોઇન્ટ કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તે જ સમયે, ડેપ્યુટી સીએમ અને રાજ્યના આરોગ્ય પ્રધાન અલ્લા નાનીએ રુઇયા હોસ્પિટલના અધિક્ષક ડો. ભારતીને બોલાવ્યા અને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી.
રિપોર્ટ પ્રમાણે રાત્રે 8:30 વાગ્યા બાદ ઓક્સિજન પ્રેશર ઘટવા લાગ્યું. જ્યાં સુધીમાં ઓક્સિજનનો જથ્થો પહોંચે ત્યાં સુધીમાં 11 દર્દીઓના મોત થયા. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા પરિજનોએ આઇસીયુમાં ઘુસીને હોબાળો કર્યો હતો. તેમણે આઇસીયુની અંદરના સાધનોને નુકસાન પણ પહંચાડ્યું. આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યા છે. જેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ઓક્સિજનના અભાવે દર્દીઓની હાલત કથળી હતી.