કોરોનાના સંક્રમણ વચ્ચે કેટલાક લોકો માનવતા ભુલી ગયા છે અને જઘન્ય અપરાધોને અંજામ આપી રહ્યા છે. મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં એક આવી જ ખોફનાક ઘટના બની છે અને તે અંગે જાણીને દરેકનુ માથુ શરમથી ઝુકી રહ્યુ છે. મળતી વિગતો પ્રમાણે ઈન્દોરમાં એક ઘરમાં ચોરી કરવા માટે ઘુસેલા ત્રણ બદમાશોએ ચાકુની અણીએ યુવતી પર ગેંગરેપ કર્યો હતો.કોરોનાથી સંક્રમિત હોવાના કારણે યુવતી હોમ ક્વોરેન્ટાઈન હતી. લૂંટારાઓ 50000 રુપિયા રોકડા અને બે મોબાઈલ પણ લઈ ગયા હતા.
આ મામલામાં પોલીસે શનિવારે સીસીટીવીની મદદથી બે આરોપીઓની ધરપકડ પણ કરી છે. જ્યારે એક હજી ફરાર છે. પકડાયેલા બંને આરોપીઓ સગીર વયના છે.પીડિત યુવતીએ પોલીસને કહ્યુ હતુ કે, કોરોના સંક્રમિત થયા બાદ હું ઘરમાં એકલી જ ક્વોરેન્ટાઈન થઈ હતી. ગુરુવારે રાત્રે બે વાગ્યે મારી ઉંઘ ઉડી ત્યારે ત્રણ લોકો મારા પલંગ પાસે ઉભા હતા.તેમણે મને ચાકુ બતાવીને પૈસા અને દાગીના માંગ્યા હતા. મેં ઘરમાં પડેલા 50,000 રુપિયા અને બે મોબાઈલ તેમને આપી દીધા હતા.
એ પછી ત્રણે જણાએ મારી સાથે રેપ કર્યો હતો. કોરોનાના કારણે શરીરમાં એટલી નબળાઈ હતી કે હું તેમનો સામનો પણ કરી શકી નહોતી. તેઓ મને ચાકુ મારી દેશે તેવી બીકથી હું બૂમ પણ પાડી શકી નહોતી. આ ઘટના પછી સવારે પાંચ વાગ્યા સુધી તેઓ ઘરની બહાર નજર રાખતા રહ્યા હતા. જેથી હું પોલીસ પાસે ના જઈ શકું. યુવતીએ જોકે બાદમાં 100 નંબર પર ફોન કરીને ઘટનાની જાણ કરી હતી.