Wed. Dec 4th, 2024

એક ગામમાં અડધી રાત્રે પોતાની પ્રેમિકાને મોબાઈલ ચાર્જર આપવા જવું એક પ્રેમીને ભારે પડ્યું

કહેવાય છે કે લોકો પ્રેમમાં પાગલ હોય છે. પરંતુ ક્યારેક આ પાગલપણું ભારે પણ પડે છે. આવી ઘટના વલસાડ જિલ્લામાં સામે આવી છે. અહીં એક ગામમાં અડધી રાત્રે પોતાની પ્રેમિકાને મોબાઈલ ચાર્જર આપવા જવું એક પ્રેમીને ભારે પડ્યું છે. ચાર્જર આપવા ગયેલો પ્રેમી પ્રેમિકાના પરિવારજનોના હાથે ઝડપાઇ જતા જોવા જેવી થઈ હતી.

પરિવારજનોએ પ્રેમીને ઝડપી લીધો

મોડી રાત્રે ચાર્જર આપવા પહોંચેલા પ્રેમીને પ્રેમિકાના પરિવારજનોએ ઝડપી લીધો હતો. ત્યારબાદ તેને માર મારતા હોસ્પિટલ પહોંચવાનો વારો આવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર વલસાડ જિલ્લાના ડુંગરી નજીકના એક ગામમાં ગઇ મોડી રાત્રે એક પ્રેમિકાએ પોતાના પ્રેમીને ચાર્જર આપવા બોલાવ્યો હતો. મોબાઈલમાં પ્રેમ ભરી વાતો કરતી વખતે પ્રેમિકાના મોબાઈલમાં બેટરી પૂરી થઈ જતાં અડધી રાત્રે પ્રેમિકાએ પ્રેમીને ચાર્જર લઇ અને ઘર પર બોલાવ્યો હતો.

પ્રેમિકાનો આદેશ થતાંજ પ્રેમી કોઈપણ જાતની પરવા કર્યા વિના અડધી રાત્રે પોતાની પ્રેમીકાને ચાર્જર આપવા ઘરેથી નીકળી પડ્યો હતો. જો કે અડધી રાત્રે ઘર નજીક કોઈ આવેલું જાણ થતાં જ પ્રેમિકાના પરિવારજનો ઉઠી ગયા હતા અને ચાર્જર આપવા આવેલો પ્રેમી પ્રેમિકાના પરિવારજનો ના હાથે ઝડપાઈ ગયો હતો. આથી પ્રેમિકાના પરિવારજનોને હકીકતની જાણ થતાં તમામે મળી અને પ્રેમીને બરોબરનો માર માર્યો હતો. પ્રેમિકાના પરિવારજનોના હાથે માર ખાવાને કારણે પ્રેમીને શરીર પર અનેક જગ્યાએ ઈજાઓ થઈ હતી. જોકે જાન બચી ગઈ હતી.

આથી સારવારની જરૂર જણાતા વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો હતો. અત્યારે પ્રેમી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. જો કે અડધી રાત્રે પ્રેમિકાને ચાર્જર આપવા ગયેલા પ્રેમી સાથે જોવા જેવી થઈ હતી. અને પકડાઈ જતા માર ખાવાનો વારો આવ્યો હતો.. અને બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જોકે આખરે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. આથી પ્રેમીએ પ્રેમિકાના પરિવારજનોના ચાર સભ્યો વિરૂદ્ધ માર મારવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ પણ દાખલ કરી છે. ડુંગરી પોલીસે સમગ્ર પ્રકરણ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Post

Verified by MonsterInsights