કેન્દ્ર સરકારે દેશમાં કોરોનાની મહામારીને કાબુમાં લેવા રાજ્ય સરકારોને સલાહ આપી છે કે, જ્યા વધુ કોરોનાનું સંક્રમણ હોય ત્યા 14 દિવસનું કડક લોકડાઉન કરો, જેથી કોરોનાની ચેઈન તોડવામાં સફળતા મળે. કોરોનાથી સંક્રમિત થયેલ એક વ્યક્તિ 406 વ્યક્તિઓને સંક્રમિત કરી શકે છે.
કોરોના મહામારી અતિ ઝડપે દેશભરમાં ફેલાઈ ચૂકી છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે, વધુ સંક્રમણ ધરાવતા વિસ્તારોમાં 14 દિવસનો કડક લોકડાઉન લાગુ કરવા કહ્યું છે. કેન્દ્રએ રાજ્ય સરકારોને એવા વિસ્તારની માહિતી એકઠી કરવા જણાવ્યું છે કે જ્યાં કોરોનાનું સંક્રમણ દર 10 ટકા કે તેથી વધુ હોય. આ વિસ્તારોમાં સ્થાનિક રીતે લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યુ હતું કે સંક્રમણના દર સિવાય, જો કોરોનાના દર્દીઓ જ્યા વધુ આવી રહ્યા હોય અથવા જ્યાં દર્દીઓની સંખ્યા વધુ હોય, તો સ્થાનિક લોકડાઉન લગાવી શકાય છે. જો કે, કેન્દ્રે સમગ્ર રાજ્ય અથવા જિલ્લામાં લોકડાઉન કરવાની ભલામણ કરી નથી. આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં લગભગ 250 જિલ્લાઓ છે જ્યાં કોરોના સંક્રમણનો દર 10 થી 15 ટકા છે.
છેલ્લા એક અઠવાડિયા દરમિયાન, કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા જિલ્લાઓની હાલતમાં પણ થોડો ઘણો સુધારો જોવા મળ્યો છે. કર્ણાટક, હરિયાણા, દિલ્લીમાં લોકડાઉન લાગુ કર્યુ છે. જ્યારે ઓરિસ્સામાં 5મી મેથી લોકડાઉન લાગુ પડશે.