કેન્દ્ર સારકારનો ખૂલાસો: હજુ એર ઈન્ડિયા તાતા સન્સને વેચાયું નથી

0 minutes, 0 seconds Read

દેવામાં ડૂબેલી સરકારી વીમાન કંપની એર ઈન્ડિયા ૬૮ વર્ષ બાદ ફરી એક વખત ટાટા જૂથ પાસે આવી ગઈ છે. બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ એર ઈન્ડિયાની બોલી ટાટા સન્સે જીતી લીધી છે. મંત્રીઓના ગૂ્રપે એર ઈન્ડિયાના વેચાણ માટેની બોલી પર ટાટા ગૂ્રપના હસ્તાંતરણની દરખાસ્તને લીલીઝંડી આપી દીધી છે. જોકે, કેન્દ્ર સરકારે આ અહેવાલોને ફગાવી દીધા છે. સરકારે શુક્રવારે ખુલાસો કર્યો કે એર ઈન્ડિયાના વેચાણ અંગેના મીડિયા રિપોર્ટ્સ ખોટા છે. આ મુદ્દે જ્યારે નિર્ણય લેવાશે ત્યારે મીડિયાને તેની જાણ કરાશે.

બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં અનામી સરકારી સૂત્રોને ટાંકીને દાવો કરાયો હતો કે મંત્રીઓના ગૂ્રપે એર ઈન્ડિયાના ટેકઓવર અંગે ટાટા જૂથની દરખાસ્ત સ્વીકારી લીધી છે. જોકે, સરકારે કહ્યું કે આ અંગેના મીડિયા રિપોર્ટ્સ ખોટા છે. એર ઈન્ડિયાની બોલી અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. આ અંગે જ્યારે પણ કોઈ નિર્ણય લેવાશે ત્યારે મીડિયાને તેની માહિતી અપાશે.

હકીકતમાં પીટીઆઈના અહેવાલ મુજબ ટાટા સન્સ એર ઈન્ડિયાને હસ્તગત કરવા માટે ટોચની બોલીદાતા તરીકે ઊભરી છે, પરંતુ સૂત્રોએ કહ્યું કે બોલીને હજુ સુધી ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતાવાળા મંત્રીઓના જૂથે મંજૂરી આપી નથી. આ સંદર્ભમાં સૂત્રોએ કહ્યું કે ટાટા સન્સ અને સ્પાઈસજેટ લિમિટેડના પ્રમોટર અજય સિંહની નાણાકીય બોલીઓ થોડાક દિવસ પહેલાં ખોલવામાં આવી હતી અને બુધવારે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં ડાઈવેસ્ટમેન્ટ પર સચિવોના મુખ્ય જૂથે તેની તપાસ કરી હતી.

સૂત્રોએ જણાવ્યું કે અનામત નિર્ધારિત મૂલ્યની સરખામણીમાં બોલીઓનું મૂલ્યાંકન કરાયું હતું અને જણાયું કે ટાટાની બોલી સૌથી ઊંચી છે. જોકે, આ બોલીને હવે એર ઈન્ડિયાના ખાનગીકરણ માટે રચાયેલી અમિત શાહના નેતૃત્વવાળા મંત્રીઓના જૂથ સમક્ષ રજૂ કરાશે. નાણામંત્રાલય અને ટાટા સન્સે આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે. દરમિયાન ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટના સચિવ તુહિન કાંત પાંડેએ એક ટ્વીટમાં કહ્યું કે સરકારે હજુ સુધી એર ઈન્ડિયાની બોલીઓને મંજૂરી આપી નથી.

તેમણે ટ્વીટ કરીને કહ્યું કે એર ઈન્ડિયા ડાઈવેસ્ટમેન્ટ બાબતમાં ભારત સરકાર દ્વારા નાણાકીય બોલીઓને મંજૂરી આપ્યાના મીડિયા અહેવાલો ખોટા છે. સરકારે એર ઈન્ડિયા વેચવાની જાહેરાત કરી ત્યારથી બજાર વર્તૂળોમાં ટાટા સન્સ આ કંપની ખરીદશે તેવી ચર્ચાએ જોર પકડયું છે. ટાટા સન્સ પણ એર ઈન્ડિયાને ફરીથી મેળવવા માટે ખૂબ જ આતુર છે. ટાટા સન્સની બોલી સ્વીકારી લેવાય તો મીઠાથી સોફ્ટવેરનું ઉત્પાદન કરતું ટાટા જૂથ પોતે જ સ્થાપેલી કંપનીની ફરી એક વખત માલિક બની જશે. સૂત્રો મુજબ ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં એર ઈન્ડિયાના ડાઈવેસ્ટમેન્ટની પ્રક્રિયા પૂરી થઈ જશે. એર ઈન્ડિયા માટે સરકારે નાણાકીય બીડ્સ મગાવ્યા હતા. એર ઈન્ડિયાનું ડાઈવેસ્ટમેન્ટ સરકારના વિનિવેશ કાર્યક્રમનો પણ ભાગ છે. અગાઉ સરકારે ૨૦૧૮માં એર ઈન્ડિયાનો ૭૬ ટકા હિસ્સો વેચવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે તેને કોઈ ખરીદદાર મળ્યો નહોતો. આ વખતે સરકાર એર ઈન્ડિયામાંથી તેની ૧૦૦ ટકા ભાગીદારી વેચી નાંખવાની છે.

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights