હાલ ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેર ચાલી રહી છે અને કોરોના સંક્રમણથી બચવા માટે વેક્સિનેશનને સૌથી શ્રેષ્ઠ માધ્યમ તરીકે જોવામાં આવી રહ્યું છે. પરંતુ દેશ અને વિદેશમાં એવા અનેક કેસ સામે આવ્યા છે જેમાં લોકોને વેક્સિન લીધા પછી પણ કોરોના થઈ રહ્યો છે. આવા કેસની સંખ્યા ભલે ઓછી હોય પરંતુ જોખમ બની રહે છે. આ સંજોગોમાં આવું કેમ બની રહ્યું છે, વેક્સિન લીધા બાદ કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે તે જાણીએ..
વેક્સિનેશન બાદ કોરોના થવાનું કારણ
જો કોઈ વ્યક્તિએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે અને બાદમાં તેને કોરોના થાય છે તો સીકે બિડલા હોસ્પિટલના ડૉ. રાજા ધરના કહેવા પ્રમાણે વેક્સિન એક બુસ્ટર તરીકે કામ કરે છે જે તમારી તાવ અને અન્ય લક્ષણોથી બચવામાં મદદ કરે છે. તે તમારી મદદ કરી શકે છે પરંતુ વેક્સિન લીધા બાદ પણ સુરક્ષા વર્તવામાં કોઈ બેદરકારી ન રાખવી જોઈએ.
મેડિકા સ્પેશિયાલિટી હોસ્પિટલના અન્ય એક એક્સપર્ટ ડૉ. અવિરલ રૉયના કહેવા પ્રમાણે વેક્સિન આપણા શરીરને અમુક હદ સુધી શક્તિ આપે છે. પરંતુ ફરી સંક્રમણ થાય તેના પાછળ પણ એક કારણ છે. વાયરસ નાક દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે જ્યારે જે વેક્સિન આપવામાં આવે છે તે નાકમાં નહીં પણ લોહીમાં એન્ટીબોડી બનાવે છે. આ સંજોગોમાં વાયરસ માટે આવવાનો રસ્તો ખુલ્લો છે. પરંતુ જો વેક્સિન મળી જાય છે તો ઈન્ફેક્શન થવાની શક્યતા ઘટી જાય છે.
વેક્સિન લેવી કેટલી જરૂરી
લોકોના મનમાં એવો પણ સવાલ છે કે વેક્સિન આખરે કેટલી જરૂરી છે. કેટલાક એક્સપર્ટ્સના મતે વેક્સિનનો એક ડોઝ 2 સપ્તાહ બાદ અસર દેખાડે છે અને કોઈ પણ વ્યક્તિને 50-60 ટકા સુરક્ષા પ્રદાન કરે છે. જ્યારે કેટલાક એક્સપર્ટ સુરક્ષાને 85 ટકા ગણાવે છે. સાથે જ વેક્સિનનો બીજો ડોઝ લેવાયા બાદ સુરક્ષા 95 ટકાએ પહોંચી જાય છે.
કેટલાક લોકોને વેક્સિન લીધા બાદ પણ કોરોના થઈ રહ્યો છે જેથી તેમના મનમાં વેક્સિનને લઈને સવાલો થઈ રહ્યા છે. ડૉ. અવિરલ રૉયનું માનીએ તો વેક્સિન લેવામાં કોઈ વિચાર કરવાની જરૂર નથી. જો તમારો નંબર આવી રહ્યો છે તો વેક્સિન ચોક્કસથી લઈ લો. વેક્સિન લેવાથી કશું ખરાબ નહીં થાય પરંતુ જો વેક્સિન લીધા બાદ કોરોના થશે તો તેના સામે લડવાની શક્તિ મળશે અને બીમારીની અસર ઓછી થશે.
ડૉ. ધરના મતે વેક્સિનના પહેલા ડોઝ લીધા બાદ જે સુરક્ષા મળે છે તે અમુક હદે સીમિત હોય છે. પરંતુ લોકોને એમ લાગે છે કે હવે વેક્સિન લાગી ગઈ છે તો કોઈ વાંધો નથી અને બેદરકારી વધી જાય છે.
વેક્સિનેશન બાદ શું કરવું?
વેક્સિનેશન બાદ સૌથી મોટી ભૂલ એ જોવા મળે છે કે લોકો માસ્કનો યોગ્ય ઉપયોગ નથી કરતા. વેક્સિનથી એન્ટીબોડી બનવામાં 2 સપ્તાહ લાગે છે. પરંતુ તેમ છતા કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવું જોઈએ. વાયરસ નાક દ્વારા પ્રવેશ કરે છે માટે નિષ્ણાતોની એક જ સલાહ છે કે માસ્ક પહેરી રાખો.