કોરોનાનો વધુ એક સાઈડ ઈફેક્ટ:સ્ટિરોઇડ-લોહી પાતળું થવાની દવાના આડેધડ ઉપયોગથી દર્દીના પેટમાં ચાંદાં-લોહી પડવાની ફરિયાદો

0 minutes, 1 second Read

કોરોનાની સારવાર દરમિયાન દવા સાથે અપાતા સ્ટિરોઇડની આડઅસર હવે વડોદરાના દર્દીઓના પેટમાં પણ જોવા મળી રહી છે. કોરોનામુક્ત થયા પછી પેટમાં ચાંદા, હોજરી-આંતરડામાં કાણાં કે લોહી પડવા જેવી ફરિયાદો સાથે મોટી સંખ્યામાં લોકો પેટના રોગોના નિષ્ણાત ગેસ્ટ્રોલોજિસ્ટ પાસે સારવાર માટે આવી રહ્યાં છે. કેટલાક દર્દીઓમાં ગભરામણ અને ઊલટી બાદ અન્ય લક્ષણો શરૂ થાય છે. નિષ્ણાતોના મતે કોરોનાની સારવાર દરમિયાન અપાયેલા સ્ટિરોઇડ્સના સંખ્યાબંધ ડોઝ મુખ્ય કારણ છે.

હોજરી અને આંતરડામાં ગંભીર નુકસાન થાય છે

ચોંકાવનારી બાબતો આ દર્દીઓની પૂછપરછમાં એ પણ બહાર આવી છે કે, કોરોનાને હંફાવી ચૂકેલા શહેરીજનો પૈકીના ઘણા લોકો લોહી પાતળું થવાની દવાઓ તબીબી સલાહ વિના જાતે જ આડેધડ લે છે.શરૂઆતમાં તેમને રાહત જેવું લાગે છે પણ આશા ગણતરીના દિવસોમાં જ ઠગારી નિવડે છે. તેમને જ્યારે એવી જાણ થાય છે કે, આમ કરીને હોજરી-આંતરડાને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે ત્યાં સુધીમાં રોગ ભારે વકરી ચૂક્યો હોય છે. ઘણા કિસ્સામાં તે જીવલેણ પણ પુરવાર થાય છે.

કોરોના મટ્યા પછી ધ્યાન રાખવું ખૂબ જરૂરી

નિષ્ણાતોના જણાવ્યા મુજબ કોરોનામુક્ત થયા બાદ 7થી 10 ટકા દર્દીમાં આવી તકલીફો જોવા મળી રહી છે. આ પૈકીના મોટા ભાગના લોકો કોરોના મટ્યા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવી લીધા પછી હોસ્પિટલના તબીબની વિઝિટ માટે નહોતા જતા કે તબીબોએ સૂચવેલા રિપોર્ટ કઢાવવાની તસ્દી લેતા હતા. આવું કરતાં જો સ્થિતિ ગંભીર થઇ જાય તો વ્યક્તિ અને તેના પરિવારને ખૂબ જ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. કોરોના મટ્યા બાદ તબીબોની દેખરેખ હેઠળ જ દવાઓ લેવી જોઇએ, નિયમિત જરૂરી રિપોર્ટ્સ કઢાવવાની નિષ્ણાતો સલાહ આપે છે.

લોહી પાતળું કરવાની દવાઓના વધારે ડોઝથી આંતરડાની દીવાલો ફૂલી શકે છે

લોહી પાતળું કરવાની દવાઓના વધુ પડતા ડોઝની અસરથી જૂની ટાયર ટ્યૂબની જેમ આંતરડાની દીવાલો પણ સહેજ ફૂલી જાય છે. આ ભાગ નબળો હોય છે અને ત્યાંથી લોહી પડવાનું શરૂ થઇ જાય છે. જો આ બાબતે દર્દી ગાફેલ રહે તો પેપ્ટિક અલ્સર થયા બાદ દર્દીનું મોત પણ થઇ શકે છે. આ ઉપરાંત આવા દર્દીઓમાં યકૃતમાં પણ બિનજરૂરી રસાયણો વધી જતાં સોજો આવે છે. એટલું જ નહીં લીવર ફેલ્યોરની શક્યતાઓ પણ વધી જાય છે.

પેટ ફૂલી જવું, ઝાડા, ઉબકા જેવાં લક્ષણો જણાય તો તરત તબીબનો સંપર્ક સાધો

પ્લેટલેટ, ડી ડાઇમર સહિતના ટેસ્ટ ઉપરાંત પેટના ભાગનો સિટીસ્કેન એન્જિયોગ્રાફી સાથે કરાવવો જોઇએ. જો અગાઉ કોઇ બીમારી ન હોય પણ કોરોના બાદ પેટ ફૂલી જવું, ઝાડા (કેટલાક કિસ્સામાં લીલા રંગના) થવા, ઉબકા આવવા જેવાં લક્ષણો જણાય તો તબીબનો સંપર્ક સાધી એન્ડોસ્કોપી અને લોહીના રિપોર્ટ કઢાવી લેવા જોઈએ. હૃદયરોગના દર્દીઓ, કાર્ડિયાક ડ્રગ્સ ચાલુ હોય તેવા લોકોએ વિશેષ સાવચેતી રાખવી જોઇએ.

લોહી પાતળું થવાની દવા અંગે માર્ગદર્શન અનિવાર્ય
દવાઓ બંધ કરતાં ગેંગરિનની શક્યતા

કોરોના મટી ગયા પછી પણ લોહીના થક્કા જામવાની ક્રિયા શરીરમાં ચાલુ જ હોય છે. જો દર્દી લોહી પાતળું થવાની દવા લેવાનું બંધ કરે તો હૃદય અને મગજ કે ફેફસા ઉપરાંત આંતરડા-હોજરીની લોહીની નળીઓમાં પણ લોહીના થક્કા જામી જાય છે. જેને લીધે તે બરાબર કામ કરતા નથી અને આંતરડા-હોજરીની અંદર જ લોહી જામતાં ગેંગરિન થઇ જાય છે. – ડો. દેવાંગ શાહ, ગેસ્ટ્રોલોજિસ્ટ.

પેટમાં થતા દુ:ખાવાની અવગણના ન કરશો

​​​​​​​કોરોનામાંથી સાજા થયા બાદ પેટમાં ખાસ કરીને નાભીની પાછળના ભાગે દુ:ખાવો થાય તો તેની અવગણના કરશો નહીં. કારણ કે આ ભાગમાં લોહીના ગઠ્ઠા જામવાની શરૂઆત હોઇ શકે છે. તુરંત જ સારવાર શરૂ કરવી જોઇએ. કોરોના મટ્યા બાદ એક મહિના સુધી દર 5 દિવસે તબીબી તપાસ અને દર 10 દિવસે રિપોર્ટસ કઢાવવાથી સાચું મૂલ્યાંકન થઇ શકે છે. – ડો. પંકજ જૈન, ગેસ્ટ્રોલોજિસ્ટ.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights