ગાંધીનગર શહેરમાં ખુદ પિતાએ પોતાની 18 વર્ષીય દીકરીનાં લગ્નનાં બહાને બે લાખમાં સોદો કર્યો હોવાની શર્મનાક ઘટના બનવા પામી છે. ત્યારે પુખ્ત વયની દીકરીએ લગ્નનો વિરોધ કરતા નરાધમ પિતા વિધિના બહાને શહેરનાં એક મંદિરમાં ભૂવા પાસે લઈ જઈ તેણીને કેફી દ્રવ્ય પીવડાવી ગોંધી રાખી બાપ દીકરીના પવિત્ર સંબંધોની તમામ હદ પાર કરી નાખી હતી. ગાંધીનગર શહેરને કાળો દાગ લગાવતી ઘટના પ્રકાશમાં આવી છે. ગાંધીનગરના સેકટર 21 પોલીસ મથક હદ વિસ્તાર માં રહેતા પરિવારમાં 17 વર્ષ અગાઉ દીકરીનો જન્મ થાય છે. ઘરનો મોભી દારૂ પીવાની ટેવ વાળો હોવાના કારણે ઘરમાં આર્થિક તંગી શરૂઆતથી જ રહેતી હતી. આથી અંજલિ ને તેના કાકા મહેશ પોતાની સાથે લઈ ગયા હતા.
કાકા અંજલિને ગાંધીનગર તેના પિતા પાસે મુકી ગયા
ધીમે ધીમે અંજલિ મોટી થઈ ગઈ અને કાકા મહેશ પણ તેને કોઈ તકલીફ ના પડે તેની બધી જવાબદારી એક પિતાની જેમ ઉપાડી લીધી હતી. આજે અંજલિ 18 વર્ષની થઈ ચૂકી છે. પરંતુ કોરોના કાળના લીધે ઘણા સમયથી કામ ધંધો બંધ થઈ જવાથી મહેશને કામ ધંધા અર્થે બહાર ગામ જવાનું હતું. જેથી તેઓ થોડા દિવસ અગાઉ અંજલી ને ગાંધીનગર મુકામે તેના માતા પિતા પાસે મુકી ગયા હતા.
પુખ્ત વયની દીકરીને જોઈ નરાધમ પિતાએ રૂપિયા કમાવાનો કારસો ઘડયો
સત્તર વર્ષ સુધી અંજલિના ભરણ પોષણની જવાબદારીથી દૂર ભાગતા ગાંધીનગરમાં રહેતા પિતા કૌશિક પહેલાથી દારૂ પીવાની કુટેવ ધરાવતો હોવાથી તેને પુખ્ત વયની અંજલિને જોઈને રૂપિયા કમાવાનો કારસો મનોમન ઘડી કાઢ્યો હતો. થોડા દિવસ સુધી અંજલિ ને પોતાની વાતોની માયાઝાળમાં ફસાવવાના પેંતરા કૌશિકએ શરૂ કરી દીધા અને બીજી બાજુ આંતર જ્ઞાાતિનાં યુવક સાથે બે લાખમાં અંજલિ ના લગ્નનો સોદો કરી નાખ્યો હતો.
માત્ર 18 વર્ષની વયે લગ્ન ની વાત સાંભળી અંજલિ એ વિરોધ કર્યો પિતા કૌશિક એ ઘરના અન્ય સભ્યોને આવીને અંજલિ ના લગ્ન કરવાની વાત કરી હતી. આ સાંભળી પરિવારને પણ એમ થયું કે કૌશિક પોતાની પિતા તરીકેની ફરજ નિભાવી રહ્યો છે. જો કે પાલક પિતાની જાણ બહાર તેમજ હજી તો હમણાં જ 17 વર્ષ પૂરા કરનાર અંજલિ આગળ ભણવા માંગતી હોવાથી તેણે લગ્નની ઘસીને ના પાડી દીધી હતી. જેનાં કારણે ઘરમાં કંકાસ પણ થયો હતો.
અંજલિ લગ્ન માટે તૈયાર થઈ જાય તે માટે ભૂવા પાસે કૌશિક લઈ ગયો
ઘણી મથામણ કરવા છતાં અંજલિ લગ્ન માટે તૈયાર ન થતાં વિધિ કરવા ના બહાને કૌશિક તેની દીકરી અંજલીને સેકટર 7 પોલીસ મથકની હદમાં આવેલ એક મંદિરના ભૂવા પાસે રવિવારે લઈ ગયો હતો. જ્યાં અંજલિએ વિરોધ કરતા ભૂવાએ તેને બાંધી દીધી હતી. અને કેફી દ્રવ્ય પીવડાવી દઈ વિધિ શરૂ કરી દીધી હતી. બાદમાં પિતા તેમજ ભૂવાની ચુંગાલમાંથી છુટકારો મેળવવા સ્થિતિ પારખી જઈ અર્ધ બેભાન અવસ્થામાં અંજલિએ લગ્નની તૈયારી દર્શાવી તેના કાકા મહેશ હાજર રહેશે તો જ લગ્ન કરશે તેવી શરત મૂકી હતી.
મંદિરમાં જ લગ્નનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું
અંજલિએ લગ્નનો વિરોધ કર્યો હોવાથી લોકોને ખબર ન પડે તે માટે પિતા મહેશે મંદિરમાં જ આંતર જ્ઞાાતિ નાં યુવક સાથે લગ્ન કરવાની ગોઠવણ કરી રાખી હતી. તેના માટે મંદિરના ભૂવાને પણ પૈસાની લાલચ આપી તૈયાર કરી લીધો હતો. ત્યારે પરિવારના અન્ય સભ્યો પણ મહેશ ના શેતાની દિમાગથી અજાણ હોવાથી તેઓએ પણ મંદિરમાં લગ્ન માટે સંમતિ આપી દીધી હતી.
અંજલિએ લગ્નની હા પાડતાં તેને પરત ઘરે લઈ આવ્યા
ગાંધીનગરમાં પિતાની ચુંગાલમાં ફસાયેલી અંજલિ એ સ્થિતિને અનુરૂપ લગ્ન ની સંમતિ આપતા કૌશિક તેને લઈને ઘરે પરત આવ્યો હતો. ઘરે આવીને તેણે કાકા મહેશ ને ફોન પર સઘળી વાત કરી હતી. પરંતુ મહેશ રાજય બહાર હોવાથી જલ્દી ગાંધીનગર આવી શકે તેવી સ્થિતિમાં ન હતો. આથી તેણે પોતાના ભાઈ કૌશિક સાથે ટેલીફોનીક વાત કરીને પોતે આવે પછી વિચારીએ તેમ કહ્યું હતું.
આખરે 181 અભયમ મહિલા હેલ્પલાઇન અંજલિની વ્હારે આવી
પોતાનો ભાઈ મહેશ આવશે તો બે લાખનો સોદો ફોક જશે એવી દહેશત વર્તાતા કૌશિકએ અંજલિના લગ્ન બીજા દિવસે જ મંદિરમાં કરી દેવાનું આયોજન ઘડી નાખ્યું હતું ત્યારે ગાંધીનગરથી અજાણ અંજલિ લાચાર સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. અને મોકો મળતાં જ ઘરે થી ભાગી નીકળી હતી. ત્યારે એને એકદમ 181 અભયમ મહિલા હેલ્પલાઇનને ફોન કરવાનું યાદ આવ્યું હતું. જેમ તેમ કરીને અંજલિએ મહિલા હેલ્પલાઇનને ફોન કરતા જ હેલ્પલાઇનની ટીમ અંજલિ પાસે પહોંચી ગઈ હતી.
હેલ્પ લાઈનની ટીમે અંજલિનાં કાકા મહેશને સાચી હકીકતથી વાકેફ કરતા તેમણે તુરંત ગાંધીનગર આવવાની તૈયારી દર્શાવી હતી પણ તેઓ રાજય બહાર હોવાના કારણે ગાંધીનગર આવતા ત્રણેક દિવસ થાય એમ હોવાથી અંજલિ ફરી વાર મુંઝવણમાં મુકાઈ ગઇ હતી. તેણે તેના માતા પિતા સાથે જવાનીનાં પાડી દેતા અંતે મહિલા હેલ્પ લાઈનની ટીમ અંજલિને ગાંધીનગરનાં નારી ગૃહમાં સુરક્ષિત રીતે મૂકી આવી છે. અને હાલમાં પણ તેનાં કાકા મહેશનાં આવે ત્યાં સુધી તેના સંપર્કમાં છે. (પાત્રો નાં નામ કાલ્પનિક છે)