ગીર સોમનાથ : ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના નાના એવા નાલીયા માંડવી ગામે વેક્સીનને લઈને વિવાદ સામે આવ્યો છે. ગામના સ્થાનિકોનું કહેવું આ ગામના લોકોને રસી આપવા કોઈ આવ્યું જ નથી. ગામના લોકોનું કહેવું છે કે, તેઓએ દીવ જઈ રસી લેવાની ફરજ પડી હતી. પરંતુ આરોગ્ય વિભાગમાંથી કોઈ ગામમાં આવ્યું જ નથી. તો બીજી તરફ આરોગ્ય વિભાગના કહેવું છે કે, 2 હજારથી અઢી હજાર લોકો નાલીયા માંડવી ગામમાં રહે છે અને તેમાં 850 થી વધુ લોકો 18 વર્ષથી ઉપરના છે.
તેઓને રસી આપવા આરોગ્ય વિભાગની ટીમ 4 વખત ગઈ હતી.પરંતુ ગામના લોકો રસી લેવાની ના પાડી રહ્યા હતા. હવે ગામના આગેવાનો સાથે વાત કરી સમજાવવાનો પ્રયાસ કર્યો છે. નાના ગામમાં રસીને લઈનો મોટો વિવાદ થયો છે.
એક તરફ ગામના લોકો કહે છે કે, કોઈ આરોગ્ય વિભાગની ટીમ આવી જ નથી અને એટલે જ અમે દીવ જઈ રસી લેવી પડી છે, તો બીજી તરફ આરોગ્ય વિભાગ કહે છે કે, અમે ગયા હતા પરંતુ કોઈ રસી લેવા તૈયાર નથી.
અહીં તપાસનો વિષય એ છે કે, ગામના લોકોએ રસી લીધી છે કે નહીં, અને એટલે જ આરોગ્ય વિભાગના અધિકારીઓએ દીવના રસીનો રેકોર્ડ મંગાવ્યો છે અને એ પ્રમાણે ગામના લોકોને રસી આપવામાં આવશે.