ગુજરાતમાં Tauktae વાવાઝોડાએ સર્જેલી તબાહી બાદ પીએમ નરેન્દ્ર મોદી આજે અસરગ્રસ્ત વિસ્તારોના એરિયલ નિરીક્ષણ માટે આવ્યા છે. તેઓ અસરગ્રસ્ત જિલ્લાઓ જેમકે ભાવનગર, અમરેલી, દીવ, ગીર સોમનાથનું હવાઇ નિરીક્ષણ કરીને અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે. અહીયાંથી તેઓ સીધા દિલ્હી રવાના થાય તે પહેલાં એરપોર્ટ ખાતેની વીઆઇપી લોન્જમાં સીએમ વિજય રૂપાણી સહિત પાંચ જેટલા ઉચ્ચ અધિકારીઓ સાથે વાવાઝોડાને અંગે વિશેષ મંત્રણા કરશે.
અમદાવાદ એરપોર્ટ ખાતે પીએમ નરેન્દ્ર મોદી સીએમ વિજય રુપાણી, ચીફ સેક્રેટેરી અનિલ મુકીમ, સીએમના ચીફ પ્રિન્સિપલ સેક્રેટેરી કે. કૈલાશનાથન, રેવન્યુ ACS પંકજ કુમાર સહિત અન્ય બે ઉચ્ચ અધિકારી સાથે બેઠક યોજાશે.
આ અધિકારીઓ પીએમને વાવાઝોડાને અંગે એક વિશેષ પ્રેઝન્ટેશનમાં ડિઝાસ્ટર વિભાગે કરેલા પ્રાથમિક સર્વેનો ડેટા રજૂ કરશે. ડિઝાસ્ટર વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ તાઉતે વાવાઝોડાના પરિણામે રાજ્યમાં અંદાજે 3000 કરોડનું નુકશાન થયું છે. જેમાં પાવર સેકટરમાં 1400 કરોડ, ખેતીવાડીમાં 1200 કરોડ, રોડ બિલ્ડીગ ક્ષેત્રે ૫૦ કરોડ અન્ય ક્ષેત્રે અંદાજે ૩૫૦ કરોડના નુકશાનનો અંદાજ છે.