ગુજરાતમાં 2021 માં મુલતવી રહેલી 10મી વાઈબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ હવે જાન્યુઆરી 2022માં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં યોજવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે. આ સમિટ યોજવા માટે રાજયના ઉધોગ અને તેને સંલગન વિભાગો ઇન્ડેક્ષ–બી, પ્રવાસન નિગમ, ઉધોગ કમિશ્નરની કચેરી સહિતના નવ જેટલા વિભાગોએ તૈયારી શરૂ કરી છે.જો ગુજરાતમાં ત્રીજી લહેર નહીં આવે તો ચોક્કસપણે વાઇબ્રન્ટ સમિટ યોજવા સુધી રાજ્ય સરકારે આયોજન કરી દીધું છે.

રાજ્યમાં 2003થી અત્યાર સુધીમાં દર બે વર્ષે યોજાતી વાઈબ્રન્ટ સમિટ નવ વખત યોજાઈ હતી. ગયા વર્ષે આ સમિટ યોજવાની હતી સરકારે તૈયારી પણ શરૂ કરી હતી પરંતુ મહામારીના કારણે યોજી શકાઇ ન હતી. હવે 2022ના જાન્યુઆરીમાં સમિટ યોજવામાં આવશે. ગુજરાતમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર નહીં આવે તો પરિસ્થિતિ જોઇને સરકાર સમિટ યોજવા માટેનો નિર્ણય લેશે.

આ સમિટના ભાગરૂપે દેશના અલગ અલગ રાજ્યોના મોટા મોટા ઉદ્યોગગૃહ સાથે સંપર્કોની સાથે ગુજરાતમાં મૂડીરોકાણ આકર્ષવા માટે ઉધોગકારો, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ ઉધોગ સંગઠનો સાથે બેઠકનું આયોજન કરવાની સૂચના મુખ્યમંત્રી કક્ષાએથી આપવામાં આવી છે. આ સમિટ માટે ઉધોગ વિભાગ, ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ તેમજ ઇન્ડેક્ષબીના અધિકારીઓને મુલાકાત આયોજન, રોકાણકારોને આકર્ષવા માટેના સંવાદ, બિઝનેસ ડેલિગેશન તેમજ વેબીનાર અને સેમિનાર કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ ઉપરાંત કોરોનાની બીજી લહેર ઓછી થતા જ રાજ્ય સરકારે પણ ફાસ્ટટ્રેક મોડમાં અનેક વિકાસના કામોની સાથે નીતિવિષયક નિર્ણયો અને પ્રજાલક્ષી કામો શરૂ કરી દીધા છે.ખાસ કરીને વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતના વિકાસલક્ષી કામોમાં સીધા સહભાગી બની ઉદ્દઘાટનો અને ખાતમુહૂર્ત કરી રહ્યા છે. ગુજરાતમાં 2019 પછી સીધી જ ત્રણ વર્ષે યોજાઇ રહેલી સમિટમાં વિક્રમી મૂડીરોકાણ સાથે દેશ અને વિદેશના ઉધોગજૂથો તેમજ બિઝનેસ ડેલિગેશન વધારે પ્રમાણમાં આવે તે માટે પ્રચાર ઝૂંબેશ શરૂ થાય તેવી સંભાવના છે.

સચિવો તથા અધિકારીઓને સમિટના આયોજન માટેની સૂચનાઓ અપાઈ
                           સચિવો તથા અધિકારીઓને સમિટના આયોજન માટેની સૂચનાઓ અપાઈ

ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે વિદેશ સ્થિત બિન નિવાસી ભારતીય, વિદેશી કંપનીઓ– ઉધોગજૂથો તેમજ વિદેશી ડેલિગેટસને આકર્ષવા માટે ગુજરાતના મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓના વિવિધ પ્રતિનિધિમંડળોનું આયોજન કરવા તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. ઉધોગકારોને વિવિધ પ્રકારની જમીન અંગેની માહિતી ઉપલબ્ધ કરવા માટે ઇન્ટીગ્રેટેડ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફેર્મેશન સિસ્ટમ નામનું સોફ્ટવેર ઇન્ડેક્ષ–બી અને બાયસેગ દ્રારા તૈયાર કરવામાં આવ્યું છે. બીજી તરફ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત DPIIT દ્રારા સ્ટેટ રિફોર્મ એકશન પ્લાનમાં રજૂ કરવામાં આવેલા વિવિધ સુધારાઓનું અમલીકરણ કરવામાં આવશે. આ સુધારાઓ સરકારના વિવિધ 19 વિભાગો સાથે સબંધિત હશે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page