Wed. Sep 18th, 2024

જાણો ઓરીજનલ ફૅમિલીમૅન વિષે, શ્રીલંકાના તામિલો સામેના યુદ્ધમાં આ જવાનોએ ગુમાવ્યા પોતાના જીવ

ઓટીટી પ્લૅટફૉર્મ પર રિલીઝ કરાયેલી મનોજ બાજપાઈ, સમંથા અકિનેની, શારીબ હાશ્મી, સન્ની હિંદુજા અભિનિત ‘ફ્રૅમિલિમૅન’ની બીજી સિઝનમાં શ્રીલંકાના તામિલ વ્યાઘ્રોની વાત કરવામાં આવી છે.

1985માં વિદ્રોહી સંગઠન લિબરેશન ટાઇગર્સ ઑફ તામિલ એલમ (એલટીટીઈ) અને ભારતીય સૈનિકો વચ્ચે શ્રીલંકાની ધરતી પણ ઘમસાણ મચ્યું હતું. જેમાં ભારતના 1200 સૈનિકો માર્યા ગયા હતા. ‘તામિલ ટાઇગર્સ’ સાથેના યુદ્ધવિરામ પર નજર રાખવા માટે 1987માં ભારતે શાંતિરક્ષક દળ શ્રીલંકા મોકવાનો નિર્ણય કર્યો હતો, જે ટૂંક સમયમાં માનવાધિકારના ઉલ્લંઘનના આરોપોની ક્રૂર લડાઈમાં પરિણમ્યો હતો.

એ ઘટનાનાં 30થી પણ વધુ વર્ષ બાદ બીબીસીના વિનીત ખરેએ આ લશ્કરી ઝુંબેશ બાબતે નિવૃત્ત મેજર જનરલ શેઓનાન સિંહ સાથે વાત કરી હતી.મેજર જનરલ શેઓનાન સિંહ એ વખતે શ્રીલંકામાં ફરજ બજાવી રહ્યા હતા.શ્રીલંકન સૈન્યના જવાનો અમને દૂરથી જોઈ રહ્યા હતા ત્યારે જાફનાના પલાલી ઍરબૅઝની લીલોતરી પર નજર ફેરવતા મેજર જનરલ શેઓનાન સિંહે કહ્યું હતું કે ‘હું પાછો ફરીશ એવું મેં ક્યારેય વિચાર્યું નહોતું.’

1987માં તેમને અને બીજા હજારો સૈનિકોને મોટા વિમાનમાંથી જે સ્થળે ઉતારવામાં આવ્યા હતા એ સ્થળ પરની વાડ પર નજર ઠેરવતા તેમણે કહ્યું હતું, “આખો વિસ્તાર બદલાયેલો લાગે છે. નવા દરવાજાઓ, કાંટાળી વાડ ઉપરાંત બાંધકામ પણ કરવામાં આવ્યું છે.”લિબરેશન ટાઇગર્સ ઑફ તમિલ ઇલમ(એલટીટીઈ)ને નિઃશસ્ત્ર કરવા અને શાંતિની સ્થાપના માટે ઇન્ડિયન પીસ કીપિંગ ફૉર્સ(આઈપીકેએફ) શ્રીલંકા આવી હતી.

જોકે, થોડાં અઠવાડિયાંમાં જ આઈપીકેએફ અને એલટીટીઈ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું. જેમાં ભારતે લગભગ 1,200 જવાનો ગુમાવ્યા હતા.

અમારી હાજરીને જુદી રીતે લેવામાં આવી

આઈપીકેએફના જવાનોની સ્મૃતિ અર્થે ઍરબૅઝ પર એક સ્મારક રચવામાં આવ્યું છે. મેજર જનરલ શેઓનાન સિંહે આઈપીકેએફના મિશનમાં 32 મહિના ફરજ બજાવી હતી.એ દિવસો યાદ કરતા તેમણે કહ્યું હતું કે ”અમે અહીં આવ્યા ત્યારે શ્રીલંકાના સૈન્યે હથિયાર હેઠાં મૂકી દીધાં હતાં. તેમણે એવું ધારેલું કે અમે આક્રમણ કરવા આવ્યા છીએ.””અમે તેમની સાથે હાથ મિલાવ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે અમે અહીં શાંતિની સ્થાપના માટે આવ્યા છીએ.”તેમના જણાવ્યા અનુસાર અભિયાન દરમિયાન ભાવિ જોખમો બાબતે ભારતીય દળોને કોઈ માહિતી આપવામાં આવી નહોતી. ભારતીય દળો પાસે કોઈ નકશો ન હતો કે કોઈ ગુપ્તચર માહિતી પણ નહોતી.એન. પરમેશ્વરન 1987માં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા.

તેમણે કહ્યું હતું, ”આઈપીકેએફ આવી ત્યારે શ્રીલંકાના તામિલોએ તેમને તારણહાર ગણી હતી. તેમને આવકારવામાં આવી હતી. લોકો એવું માનતા હતા કે આઈપીકેએફ તેમને શ્રીલંકન સૈન્યથી મુક્તિ અપાવશે.”ઉત્તર શ્રીલંકામાં દેશનો લઘુમતી તામિલ સમુદાય ખુદને મુખ્યધારાના સિંહાલા સમાજથી વિખૂટો પડી ગયો હોવાનું માને છે.

આંતરવિગ્રહથી ભારતમાં ચિંતા

તામિલ લોકો શરૂઆતમાં વિચારતા હતા કે ભારતીય સેના તેમને બચાવશે.શ્રીલંકા સરકારે એક કાયદો પસાર કરીને માત્ર સિંહાલીને સત્તાવાર ભાષા બનાવી હતી. તેને કારણે સરકારી ક્ષેત્રોના તામિલ કર્મચારીઓના દરજ્જા અને આજીવિકા પર જોખમ સર્જાયું હતું.1983માં આખા શ્રીલંકામાં થયેલાં હુલ્લડો ફાટી નીકળ્યા હતા અને અંદાજે 3,000 તમિલોનાં મૃત્યુ થયાં હતાં. એ તોફાનોમાં તામિલો વિરુદ્ધ હિંસા પણ આચરવામાં આવી હતી.

એ આંતરવિગ્રહને કારણે ભારતમાં પણ ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું, કારણ કે ભારતમાં મોટી સંખ્યામાં વસતા તામિલ લોકો એલટીટીઈના સ્વતંત્ર રાષ્ટ્રના સ્વપ્ન પરત્વે સહાનુભૂતિ ધરાવતા હતા.ભારતના તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધી અને શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જે. આર. જયવર્દને વચ્ચે ઉપરોક્ત સંદર્ભે ભારતીય સૈનિકોને શ્રીલંકામાં ગોઠવવાના કરાર થયા હતા.સરકારના સભ્યો સહિતના અનેક શ્રીલંકનો આ કરારથી નાખુશ હતા, કારણ કે તેઓ આ કરારને નાના પાડોશી દેશના આંતરિક મામલામાં મોટા દેશની દખલગીરી ગણતા હતા.આગમન પછી આઈપીકેએફના સૈનિકો શ્રીલંકામાં ફેલાઈ ગયા હતા અને ઉત્તરમાં તેઓ શ્રીલંકાના સૈન્યના સ્થાને ગોઠવાઈ ગયા હતા.

આઈપીકેએફના ઘણા લોકો માનતા હતા કે શાંતિઅભિયાનથી તામિલોને મદદ મળશે. યુદ્ધનો તો તેમણે વિચાર સુદ્ધાં કર્યો નહોતો.સસ્તી વિદેશી ઈલેક્ટ્રૉનિક આઇટમોની ઢગલાબંધ ખરીદી તેઓ કરતા હોવાની અનેક કથાઓ સાંભળવા મળતી હતી.

ભારતે એલટીટીઈને તાલિમ આપી હતી

શેઓનાન સિંહે કહ્યું, “આર્ટિલરી યુનિટ સહિતના અમારા ઘણા યુનિટો દારૂગોળા વિના અહીં આવ્યા હતા, કારણ કે શાંતિઅભિયાનમાં દારૂગોળાની જરૂર નહીં પડે એવું અમે વિચાર્યું હતું.””પ્રારંભે આઈપીકેએફ અને એલટીટીઈ વચ્ચે સારો સંબંધ હતો. ભારતે એલટીટીઈના લડવૈયાઓને વર્ષો સુધી તાલીમ આપી હતી. “”આપણી એજન્સીઓ દ્વારા તાલીમ પામેલા હોવાને કારણે એલટીટીઈના ઘણા લડવૈયાઓને અમે જાણતા હતા. એલટીટીઈના લડવૈયાઓ અમારી લશ્કરી છાવણીની મુલાકાતે આવતા હતા. જેના કારણે બાદમાં અમારા પર આક્રમણ કરતી વખતે તેમને ભારતીય સૈનિકોને ક્યાં ગોઠવવામાં આવ્યા છે તેની તેમને ખબર હતી. “એલટીટીઈ પાસે અત્યાધુનિક શસ્ત્રો અને સંચારનાં સાધનો હતાં.

શેઓનાન સિંહે કહ્યું હતું કે “તેમની પાસે અમારાં કરતાં ચઢિયાતાં શસ્ત્રો હતાં. અમે અમારાં શસ્ત્રો છુપાવી રાખતાં હતાં. જેથી તેઓ અમારી મશ્કરી ન કરે.””અમારી પાસે 10-15 કિલોમીટરની રેન્જના રેડિયો સેટ હતા, જ્યારે તેમની પાસે 40-45 કિલોમીટરની રેન્જના રેડિયો સેટ હતા.”

લડાનો આરંભ

જોકે, આ દરમિયાન એલટીટીઈએ શસ્ત્રો હેઠાં મૂકવાનો ઈનકાર કર્યો ત્યારથી વાત વણસી હતી.આઈપીકેએફ ધીમે-ધીમે એલટીટીઈ સાથે ગેરિલા યુદ્ધમાં સપડાઈ હતી અને એલટીટીઈની બહુમતીવાળા જાફના વિસ્તાર કબજે કરવા માટે ઑક્ટોબર, 1987માં મિશન શરૂ કરાયું હતું.આઈપીકેએફને પલાલી ઍરબૅઝ હેડક્વાર્ટરથી અમુક કિલોમિટર દૂર આવેલા જાફના યુનિવર્સિટી ગ્રાઉન્ડથી આક્રમણ શરૂ કરવાનું હતું.

એ પછી મેજર શેઓનાન અને તેમના સાથીઓને આગામી હુમલાઓ માટે જગ્યાની વ્યવસ્થા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.એ મેદાનમાં આજે લીલોતરી છે અને ત્યાં રમતગમત માટેની સુવિધા પણ છે.શેઓનાન સિંહે કહ્યું હતું કે “વર્ષ પહેલાં અહીં જંગલ હતું. આ જગ્યામાંથી ઝાડીઝાંખરા અને વૃક્ષો દૂર કરવામાં આવ્યાં હતાં.”

એલટીટીએ ત્રણ બાજુથી ઘેરીને હુમલો કર્યો

રિટાયર્ડ જનરલ મેજર શેઓનાન સિંહે જાફના યુનિવર્સિટીની ફરીથી મુલાકાત લીધી આઈપીકેએફ દ્વારા કરવામાં આવનારા આક્રમણની માહિતી એલટીટીઈને મળી ગઈ હતી અને તેમણે આઈપીકેએફ પર ત્રણ બાજુએથી હુમલો કર્યો હતો.દૂર આવેલી એક બિલ્ડિંગ તરફ આંગળી ચીંધીને શેઓનાન સિંહે કહ્યું હતું કે “પાણીની ટાંકી પાછળની પેલી બિલ્ડિંગમાંથી અમારા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.”વધારે ભારતીય સૈનિકો આ ઘટનામાં જોડાયા એટલે એલટીટીઈનો ગોળીબાર વધુ જોરદાર બન્યો હતો.મેજર શેઓનાન સિંહ અને તેમના જવાનો નજીકની શેરીઓમાં ચાલ્યા ગયા હતા. તેઓ ત્યાં ઘરોમાં પ્રવેશ્યા હતા અને એ ઘરોમાં રહેતા લોકોને ઓરડામાં પૂરીને એમણે પૉઝિશન સંભાળી હતી.એ લડાઈ 24 કલાક સુધી ચાલી હતી અને તેમાં આઈપીકેએફના 36 જવાનો માર્યા ગયા હતા.

30 વર્ષ પહેલાંની ઘટનાઓ હજી પણ તાજી

જવાનોનાં મોત જ્યાં થયાં હતાં એ સ્થળ દેખાડતા મેજર શેઓનાન સિંહે કહ્યું હતું કે “ગોળીબારમાં સૌથી પહેલાં મારા જવાન લક્ષ્‍મીચંદનું મોત થયું હતું. શ્રીલંકાનું સૈન્ય હેલિકૉપ્ટરમાંથી ગોળીબાર કરીને અમને ટેકો આપતું હતું.””અમે જે ઘરમાં હતા એ ઘર પર ફેંકવામાં આવેલા બૉમ્બને કારણે ઉમેશ પાંડે શહીદ થયો હતો. ગંગારામે ગોળીબારમાં તેના બન્ને પગ ગૂમાવ્યા હતા અને લોહી નીતરતી હાલતમાં મૃત્યુ પામ્યો હતો. “ગોળીઓના નિશાનવાળો એક ઘરનો દરવાજો અમને જોવા મળ્યો હતો, જે એ દિવસે ખેલાયેલા જોરદાર યુદ્ધની યાદ અપાવતો હતો.અમે જાફના તથા તેની આસપાસના પરિસરમાં ફર્યાં અને મેજર જનરલ શેઓનાન સિંહની સ્મૃતિથી આશ્ચર્યચકિત થયા વિના રહી ન શક્યા.

સમગ્ર પ્રદેશની ભૂગોળ, સશસ્ત્ર તામિલ જૂથોની વ્યક્તિઓનાં નામો, એલટીટીઈના નેતાઓ સાથેની વાતચીત એમ બધું તેમની સ્મૃતિમાં તાજું હતું.પોતાના પૂર્વ સાથીઓ સાથે શૅર કરવા માટે ફોટોગ્રાફ અને વીડિયો લીધાં ત્યારે તેઓ પોરસાતા હતા.તેમણે કહ્યું હતું કે “30 વર્ષ પહેલાં આપણે આ બાબત પર ધ્યાન આપવું જોઈતું હતું.”

 

Related Post

Verified by MonsterInsights