Mon. Oct 7th, 2024

તો શું ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ બે દિવસમાં બંધ થઈ જશે…!!!

ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બે દિવસમાં બંધ થઈ જાય તેવો ભય સેવાઈ રહ્યો છે. ડિજિટલ કન્ટેન્ટ ફિચરિંગને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે ઘડેલી આચારસંહિતા અને ત્રિ-સ્તરીય ફરિયાદ નિવારણના માળખાને અમલી બનાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, જે ડેડલાઈન 26મી મે ના રોજ પુરી થઈ રહી છે અને હજુ આ કંપનીઓએ કેન્દ્રના નવા નિયમોનું પાલન કર્યું નથી. જેના કારણે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ બંધ થઈ જશે ? તેવો સવાલ ચર્ચાઈ રહ્યો છે.

સમાચારની સાઈટ્સ અને ઓટીટી પ્લેટફોર્મ્સ માટેના નિયમો ફેબુ્રઆરીમાં લાગુ કરવામાં આવ્યા હતા. સરકારના સૂત્રો જણાવી રહ્યા છે કે, જો કંપનીઓ આ નિયમોને નહીં અનુસરે તો તેમના મધ્યવર્તી દરજ્જાને સમાપ્ત કરવામા આવી શકે છે અને તેમની સામે ફોજદારી કાર્યવાહી પણ કરી શકાય છે.

ભારતમાં સોશિયલ મિડિયા વેબસાઈટ એક ઈન્ટરમિડિયેટની જેમ કામ કરે છે. જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયામાં આપત્તિજનક ટિપ્પણી કે પોસ્ટ કરે તો પણ સોશિયલ મિડિયા કંપની સામે કોઈ કાર્યવાહી થતી નથી, કારણ કે તેને ભારત સરકાર તરફથી ઈમ્યુનિટી મળેલી છે.

સૂત્રો જણાવે છે કે, 26 મે સુધી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સરકારના નવા નિયમોનો અમલ નહી કરે તો તો સરકાર તેમને મળેલી ઈમ્યુનિટીને સમાપ્ત કરી શકે છે. આવી સ્થિતિમાં જો કોઈ યૂઝર આપત્તિજનક પોસ્ટ કે કોમેન્ટ કરે તો યૂઝરની સાથે સોશિયલ મીડિયા કંપનીની સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

નવા નિયમોમાં ભારત સ્થિત કોમ્પ્લાયન્સ ઓફિસિઅલ્સની નિયુક્તિ, તેમના નામ અને ભારત સ્થિત નંબરો આપવા, ફરિયાદ નિવારણ,  વાંધાજનક કન્ટેન્ટ પર દેખરેખ, કમ્પ્લીયન્સ રિપોર્ટ અને વાંધાજનક કન્ટેન્ટને દૂર કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

આ નિયમો 25 ફેૂબુ્રઆરી, 2021ના રોજ ભારત સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને ત્રણ મહિનામાં આ નિયમોને અનુસરવાનો આદેશ કર્યો હતો. જેને ગેઝેટમાં પ્રકાશિત કરવામાં પણ આવ્યો હતો.

Related Post

Verified by MonsterInsights