દેશમાં કોવિડ-19ની રસી (Corona vaccine)ની અછત વચ્ચે સારા સમાચાર પ્રાપ્ત થયા છે. કોવિડ ટાસ્ક ફોર્સ (Covid task force)ના પ્રમુખ ડૉક્ટર વિનોદ કુમાર પૉલે (Vinod Kumar Paul) કહ્યુ છે કે ડિસેમ્બર સુધી દેશના તમામ નાગરિકોને રસી લગાવવા માટે પૂરતી રસી ઉપલબ્ધ હશે. તેમણે કહ્યુ કે, ઓગસ્ટથી ડિસેમ્બર સુધી 216 કરોડ ડોઝ ઉપલબ્ધ હશે. પૉલે કહ્યુ કે, આ રીતે જોતા દરેક ભારતીયને રસીનો ડોઝ લગાવ્યા બાદ પણ રસીનો વધારાનો પર્યાપ્ત જથ્થો હશે.
પ્રેસ બ્રીફિંગ દરમિયાન ડૉક્ટર વી.કે. પૉલે કહ્યુ કે, ભારત અને ભારતીયો માટે ઓગસ્ટથી ડિસેમ્બર સુધી કુલ મળીને 216 કરોડ ડોઝનું નિર્માણ કરવામાં આવશે. એ વાતમાં કોઈ શંકા નથી કે જેમ જેમ આપણે આગળ વધતા જઈશું, દરેક માટે રસી ઉપલબ્ધ હશે. સરકારી ડેટા પ્રમાણે ગુરુવારે સવાર સુધી દેશમાં 17.12કરોડથી વધારે વેક્સીન ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.
જાન્યુઆરીમાં ભારતે ભારત બાયોટેકની કોવેક્સિન અને ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડને મંજૂરી આપી છે. ગત મહિને રશિયાની સ્પૂતનિક 5ને ભારતમાં ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. પૉલે કહ્યુ કે, સ્પૂતનિક 5 ભારતમાં આવી ચૂકી છે. તેમણે કહ્યું કે, મને આશા છે કે આ રસી આગામી અઠવાડિયા સુધી બજારમાં આવી જશે. અમને આશા છે કે રશિયા પાસેથી મળેલી સીમિત સ્ટોકનું વેચાણ આગામી અઠવાડિયે શરૂ થઈ જશે.