*અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી*
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના ૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૫ વર્ષ આપણી સરકારના સૌના સાથથી, સૌના વિકાસના હેઠળ છેલ્લા ૯ દિવસથી રાજ્યભરમાં વિકાસનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. આજે તા.૯ મી ઓગસ્ટ, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે દાંતા આદર્શ નિવાસી શાળા ખાતે રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સનશ્રી જાગૃતિબેન પંડ્યાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈ આદિવાસી સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો આ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના ચેરપર્સનશ્રી જાગૃતિબેન પંડ્યાએ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે સમગ્ર રાજ્યમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આદિવાસીઓના વિકાસ માટે માટે સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. જેનો લાભ લઈ આપણે પણ આગળ વધીએ.
ચેરપર્સનશ્રી અને મહાનુભાવોના હસ્તે દાંતા તાલુકાના આદિવાસી આદર્શ નિવાસી શાળામાં ધોરણ 11 અને 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સરકારશ્રીની વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભો સહિતના ચેક વિતરણ પણ કરવામાં આવ્યા હતા. રોજગારી માટે સિલાઈ મશીન જેવા સાધનો અને ફળાઉ રોપાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે વનવિભાગના સહયોગથી ઉપસ્થતિ મહાનુભાવોના હસ્તે આદર્શ નિવાસી શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અગ્રણીઓ અને લાભાર્થીઓ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.