બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન સાથે અચાનક વાવાઝોડું આવ્યું હતું. જોકે, પહેલા જ વરસાદમાં બનાસકાંઠામાં વીજળી પડવાનો બનાવ બન્યો છે. ખેતરમાં વીજળી પડતા એક ખેડૂતના પશુઓનું મોત થયું છે. જેથી ખેડૂતની રોજગારી છીનવાઈ છે.
બનાસકાંઠાના દિયોદર પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યુ હતું. મોડી રાત્રે ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં કાચા મકાનો અને છાપરાઓના પતરા ઉડ્યા હતા. ભાદર ગામે પશુઓને બાંધવાનું ઢાળીયું પડતાં એક ગાયનું મોત થયું છે. તો ભારે પવનના કારણે બાજરી સહિત અનેક પાકો ઢળી ગયા છે. મોડી રાત્રે અચાનક હવામાનમાં પલટો આવતા ભારે પવનથી અનેક મકાનોના પતરા ઉડ્યા છે. દિયોદરના મોજરું ગામે ભારે પવનથી રહેણાંક મકાનોને નુકસાન થયું છે. દિયોદર સહિત અનેક પંથકમાં ખેતીના પાકોને નુકશાન પહોંચ્યું છે.
ગરીબ ખેડૂતના પશુઓનું મોત થયું
બનાસકાંઠા ભાભર તાલુકાના ખારા ગામે મોડી રાત્રે ભારે પવન અને વરસાદ સાથે વિજળી પડી હતી. ભાભર તાલુકાના ખારા ગામે એક ખેડૂતના ખેતરમાં વીજળી ત્રાટકી હતી. જેથી એક ખેતર બાંધેલ 2 ભેંસોના મોત થયા છે. તો એક ભેંસ ઘાયલ થઈ છે. ભાગીયા તરીકે ખેતીકામ કરતા ખેત મજૂરની 2 ભેંસોના મોત થતાં ખેડૂતના માથા પર આભ તૂટી પડ્યું હતું. તેની આજીવિકા છીનવાઈ છે. ત્યારે આ ગરીબ ખેડૂતને સરકાર સહાય કરે તેવી સરપંચ સહિત ગામ લોકોએ અપીલ કરી.
તો બીજી તરફ, બનાસકાંઠામાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડતાં માર્કેટયાર્ડમાં પડેલ માલ પણ પલળી ગયો છે. ભીલડી માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડી રહેલ બાજરી સહિતનો માલ પલળ્યો છે.