Fri. Apr 26th, 2024

Corona Vaccine : ભારતમાં બાળકો પર કોરોના રસીની ટ્રાયલ શરૂ થઈ ગઈ, અત્યાર સુધીમાં પટણા AIIMS માં 3 બાળકોને અપાયો કોવેક્સીનનો પહેલો ડોઝ

By Shubham Agrawal Jun3,2021 #Patna

ભારતમાં બાળકો પર કોરોના રસીની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. પટણાની એમ્સ હોસ્પિટલમાં ભારત બાયોટેકની કોવેક્સીનની બાળકો પર ટ્રાયલ શરૂ થઈ છે. અત્યાર સુધીમાં 3 બાળકોને રસીનો ડોઝ અપાયો છે. અત્રે જણાવવાનું કે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર જોખમની આશંકા વ્યક્ત કરાઈ છે ત્યારે આ સમાચાર મોટી રાહત કહી શકાય.

3 બાળકોને અપાયો પ્રથમ ડોઝ

બાળકો પર કોવેક્સીનની ટ્રાયલ માટે પહેલા દિવસે 15 બાળકો એમ્સ પહોંચ્યા હતા. જેમાંથી 3 બાળકો રસી માટે ફિટ જણાયા. સૌથી પહેલા તેમનો આરટીપીસીઆર અને એન્ટીબોડી ટેસ્ટ કરાયા અને 3 બાળકો સંપૂર્ણ રીતે સામાન્ય જોવા મળતા તેમને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો. આ ત્રણેય બાળકોને પહેલો ડોઝ આપ્યા બાદ તેમના સ્વાસ્થ્યનું 2 કલાક સુધી અવલોકન કરવામાં આવ્યું. જેમાં કોઈ પણ બાળક પર રસીની આડઅસર જોવા મળી નહીં. નિયમો મુજબ આ બાળકોને રસીનો આગામી ડોઝ 28 દિવસ પછી આપવામાં આવશે.

હાલ સ્વસ્થ છે બાળકો

જે ત્રણ બાળકોને રસીનો ડોઝ અપાયો 12 થી 18 વર્ષની વયના છે અને પટણાના છે. ત્રણેય હાલ સ્વસ્થ છે. હોસ્પિટલે ત્રણેય બાળકોના માતા પિતાને એક ડાયરી આપી છે અને તેમના સ્વાસ્થ્યની નિગરાણી કરવાનું કહ્યું છે. જો આ દરમિયાન બાળકને કોઈ પણ સમસ્યા થાય તો તેમને તરત પટણા એમ્સનો સંપર્ક કરવાનું કહેવાયું છે.

108 બાળકોએ સ્વેચ્છાએ કરાવ્યું રજિસ્ટ્રેશન

એમ્સમાં કોવેક્સીનની રસી માટે 28મી મેથી રજિસ્ટ્રેશન શરૂ થયું છે. 108 બાળકોએ અત્યાર સુધીમાં સ્વેચ્છાએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમના સ્ક્રિનિંગ બાદ પસંદ કરાયેલા 3 બાળકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ અપાયો. બીજા તબક્કામાં બાળકો પર રસીની કોઈ નકારાત્મક અસર નહીં જોવા મળે તો ત્રીજા તબક્કા અંતર્ગત રસીનો ડોઝ આપવામાં આવશે અને તે પ્રભાવી જોવા મળશે તો રસીના ઉપયોગ માટે મંજૂરી માંગવામાં આવશે.

આ બાળકોને 28 દિવસના સમયગાળા બાદ કોવેક્સીનનો બીજો ડોઝ અપાશે. એકવાર રસીકરણ પૂરું થયા બાદ રસીની કોઈ પણ આડઅસર માટે બાળકોની સંપૂર્ણ રીતે તપાસ કરાશે. પટણા એમ્સે બાળકોને તેમની ઉંમરના આધારે ટ્રાયલ માટે ત્રણ સમૂહમાં વહેંચ્યા છે.

આ ત્રણ આયુવર્ગ છે 2-5 વર્ષ, 6-12 વર્ષ, અને 12-18 વર્ષ

11મી મેના રોજ આપી હતી ટ્રાયલ માટે મંજૂરી

અત્રે જણાવવાનું કે કોરોનાની ત્રીજી લહેરમાં વિશેષજ્ઞોએ બાળકો પર જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ બાજુ અમેરિકા, કેનેડા સહિત અનેક દેશોએ 16 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીને લીલી ઝંડી આપી દીધી છે. પરંતુ હજુ નાના બાળકો માટે દુનિયાભરમાં રસીની ટ્રાયલ ચાલુ છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DCGI)એ 11 મી મેના રોજ ભારત બાયોટેકની કોવેક્સીનને 2થી 18 વર્ષના બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપી હતી.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights