ભાઈ જ ભાઈના લોહીનો તરસ્યો બન્યો હોય તેમ બારડોલીના રાજુનગરમાં પિતરાઈ ભાઈએ ભાઈને ચપ્પુના 7 ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાનો પ્રયાસ કર્યો હતો.રાત્રિ ભોજનને લઈ થયેલા ઝઘડામાં બારડોલી નગર પાલિકાના સફાઇ કર્મચારીને ચપ્પુના ઘા મરાયા હોવાનું બહેને જણાવ્યું છે. મધરાત્રે બનેલી ઘટના બાદ મોત સામે લડતા શિવાને 108ની મદદથી સારવાર માટે સિવિલ ખસેડાતા તાત્કાલિક ઓપરેશનમાં લેવાની ફરજ પડી હતી. હાલ શિવાની હાલત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે.

પેટ,કમર અને પાસળીના ભાગે ઘા ઝીંકાયા
ઈજાગ્રસ્તની બહેન દીપાલી પાડવેએ જણાવ્યું હતું કે, શિવા ખાડાભાઈ પાડવે (ઉ.વ.આ. 25) બારડોલી નગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે કામ કરે છે. માતાના મૃત્યુ બાદ ભાઈ અને પિતા જ ઘર ચલાવી રહ્યા છે. શુક્રવારની રાત્રે પિતરાઈ ભાઈ વિકીએ દારૂના નશામાં ભોજનને લઈ ઝઘડો કરી શિવાને ઉપરા ઉપરી છાતી, પેટ, કમર, અને પાસળીમાં 7 ઘા મારી નાસી ગયો હતો.

હાલત ગંભીર
રાત્રે 10:25 વાગે બનેલી ઘટના બાદ શિવાને તાત્કાલિક 108માં નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ રીફર કરાયો હતો. સિવિલ આવતા જ શિવાને તાત્કાલિક ઓપરેશનમાં લઈ જવાયો હતો. લગભગ 3-5 કલાકના ઓપરેશન બાદ શિવાની હાલત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હુમલાખોર વિકીને પકડી પાડ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. બે ભાઈઓ વચ્ચેનો થયેલો જ ઝઘડો લોહિયાળ સાબિત થયો છે.