ઉત્તર પ્રદેશ બાદ બિહારના બક્સર જિલ્લામાંથી વહેતી ગંગા નદીના પ્રવાહમાંથી લાશો મળવાનો સિલસિલો સતત બીજા દિવસે પણ જારી રહેતા ચકચાર મચી ગઈ છે. ગંગા નદીમાંથી મળેલા વધુ ૮૦ જેટલી લાશોને બહાર કાઢીને જેસીબીથી ખાડો ખોદીને સામૂહિક રીતે દફનાવવામાં આવી હતી. હવે બિહાર સરકારના મંત્રીએ આ ઘટના અંગે એવો દાવો કર્યો છે કે, આ લાશો ઉત્તર પ્રદેશ તરફથી આવતા ગંગા નદીના વહેણમાં તણાઈને આવે છે.
બિહાર સરકારે આ સનસનાટી મચાવનારી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ગંગા નદીના પ્રવાહની આસપાસમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના નજીકના મનાતા રાજ્યના જળ સ્રોત મંત્રી સંજય કુમાર જ્હાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, આ લાશો ઉત્તર પ્રદેશમાંથી વહીને બિહારમાં આવી છે. ડોક્ટરોએ લાશોના પોસ્ટમોર્ટમ બાદ જણાવ્યું હતુ કે, આ લાશો ચાર-પાંચ દિવસ પૂર્વે મૃત્યુ પામેલા લોકોની છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના તેમજ ગંગા નદીને તેનાથી થયેલા નુકસાનને કારણે મુખ્યમંત્રી નીતિશ કુમાર વ્યથિત છે.
એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બક્સરના ચૌસા પ્રખંડના બીડીઓ અને અંચલાધિકારીની દેખરેખમાં આ શબોને દફનાવવામાં આવ્યા હતા. અગાઉ જિલ્લા અધિકારીએ આ લાશોના પોસ્ટમોર્ટમ અને સમ્માનપૂર્વક અગ્નિ સંસ્કારની જાહેરાત કરી હતી.
મંત્રી સંજય કુમાર જ્હાએ ઊમેર્યું કે, ઉત્તર પ્રદેશ અને બિહારની સીમાઓને જોડતા રાનીઘાટ ખાતે ગંગાના પ્રવાહમાં જાળીઓ લગાવવામાં આવી છે. જેથી કોઈ લાશ કે પદાર્થ નદીમાં આગળ વહી ન શકે. અમે ઉત્તર પ્રદેશની સરકારને પણ આ અંગે સજાગ રહેવા માટે જણાવ્યું છે. અમે બધાને અપીલ કરીએ છીએ કે, તેઓ મૃતકો અને મા ગંગાનો આદર-સન્માન જાળવે.