બિહારના દરભંગા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આવેલા પાર્સલમાં થયેલા જોરદાર વિસ્ફોટ બાદ દોડધામ મચી ગઈ હતી.આ પાર્સલ સિકંદરાબાદથી આવ્યુ હતુ.એ પછી રેલવે સ્ટેશન પર પોલીસનો કાફલો ઉતારીને સ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી. આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી પણ એક તબક્કે ગભરાટનો માહોલ સર્જાયો હતો. મળતી વિગતો પ્રમાણે દરભંગા સ્ટેશન પર ગુરૂવારે આવેલા પાર્સલમાં ધડાકો થયો હતો.
પાર્સલમાં કપડાનુ બંડલ હતુ અને પોલીસને વધુ તપાસ કરતા બંડલ વચ્ચેથી એક નાનકડી બોટલ મળી હતી. પોલીસને શંકા છે કે, આ બોટલમાં એવુ કેમિકલ હતુ અને તેનાથી વિસ્ફોટ થયો છે. જોકે પાર્સલમાં મુકાયેલા કપડામાં પણ આગ લાગી ગઈ હતી. આ પાર્સલ સિકંદરાબાદથી મહોમંદ સૂફિયાનના નામ પર મોકલવામાં આવ્યુ હતુ.
પોલીસે પાર્સલ મોકલનારની તપાસ શરૂ કરી છે. જોકે મોકલનારનુ સરનામુ અધુરૂ હોવાથી તેને શોધવામાં મુશ્કેલી પડી રહી છે. આ મામલામાં સિકંદરાબાદ પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. પોલીસને આશા છે કે, પાર્સલ મોકલનાર વહેલી તકે પકડાઈ જશે અને એ પછી જ પાર્સલમાં બોટલ મોકલવાનો હેતુ શું છે તેની જાણકારી મળી શકશે.