Sat. Oct 5th, 2024

ભરૂચ રેલ્વે સ્ટેશન પર કોન્સ્ટેબલની સમયસૂચકતાએ મહિલાનો જીવ બચાવ્યો,ઘટના થઇ CCTVમાં કેદ

ભરુચ રેલવે સ્ટેશનના આરપીએફ પોલીસ ઇન્સ્પેક્ટર મુકેશ મીણાએ જણાવ્યું કે સાતમી સપ્ટેમ્બરના રોજ સવારે એક મહિલા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરના ટ્રેક પર આવી હતી. તે પ્લેટફોર્મની ઉંચી દિવાલ ચડવા પ્રયાસ કરતી હતી પરંતુ ચડી શકી ન હતી. બીજીબાજુ સુરતથી આવીને વડોદરા તરફ જતી ગુડ્ઝ ટ્રેન (માલગાડી) આ ટ્રેક પર ધસમસતી આવી રહી હતી.

પ્લેટફોર્મ પાસેેથી પસાર થઈ રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેશ કોરજીયાની નજર મહિલા પર પડી. મહિલા જે ટ્રેક પાસે દિવાલ ચડવાનો નિષ્ફળ પ્રયાસ કરતી હતી તે ટ્રેક પર ગુડ્ઝ ટ્રેન આવી રહી હતી. ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ધર્મેશ રોકજીયા તેમના જીવની પણ પરવા કર્યા વગર ટ્રેક પર કુદી ગયા. મહિલાનો હાથ ખેંચી તેને ટ્રેકની બહાર લઈ આવ્યા. મોત મહિલા નજીક દોડીને આવતું હતું, પણ હેડ કોન્સ્ટેબલ ધર્મેશની સ્પીડ મોત કરતાં પણ વધારે સાબિત થઈ અને મહિલાનો જીવ બચી ગયો.

મહિલાને ટ્રેકની બાજુ પર સલામત રીતે લઈ આવ્યા તેની બીજી જ મિનિટમાં ટ્રેન પુરઝડપે પસાર થઈ ગઈ. પોલીસ હેડ કોન્સ્ટેબલે મહિલાને આબાદ રીતે મોતના મુખમાંથી બચાવી લીધી. આ ઘટના નજરોનજર નિહાળી લોકોનું ટોળું એકઠું થઈ ગયું. મહિલા અત્યંત ગભરાઈ ગઈ હોવાથી કોઈ વ્યક્તિએ તેને પાણી પીવડાવતાં શાંત થઈ હતી. થોડી જ ક્ષણોમાં મહિલા ટોળામાંથી નિકળી અજ્ઞાત સ્થળે જતી રહી.

આ અંગે પ્રાઉડ ફીલ કરતાં પીઆઈ મુકેશકુમાર મીણા કહે છે કે હેડ કોન્સ્ટેબલની સતર્કતા અને ચપળતાના કારણે મહિલાનો જીવ બચી ગયો છે. જોકે, મહિલા ટોળામાંથી અચાનક જતી રહી હોવાથી તેનું નામ, સરનામું કે અન્ય વિગતો મેળવી શક્યા નથી. મહિલા અને મોત વચ્ચેના એક મિનિટના અંતરનો દિલધડક વિડિયો ફુટેજ મળી આવતાં વાયરલ થઈ રહ્યા છે.

Related Post

Verified by MonsterInsights