મુંબઈમાં ભારે વરસાદથી જન-જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. મુંબઈના ચેંબુરમાં દીવાલ ધસી પડવાના કારણે 7 લોકોના મોત થયા છે બીજી બાજુ વિક્રોલીમાં પણ આવી જ દુર્ઘટનામાં 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારે વરસાદના કારણે થયેલી દુર્ઘટનામાં એક જ દિવસમાં 10 લોકોનો ભોગ લેવાયો છે અને તે સિવાય અનેક લોકો ઘાયલ થયા છે.વાશીનાકાના ન્યૂ ભારત નગર ખાતે સતત વરસાદના કારણે રાતે 1 વાગે એક ઝાડ દીવાલ પર પડ્યું હતું અને બાદમાં દીવાલ ધરાશયી થઈ હતી જેથી 7 લોકો તેના નીચે દટાઈને મૃત્યુ પામ્યા હતા. દીવાલના કાટમાળમાં અન્ય કેટલાક લોકો પણ દટાયા હોવાની આશંકા છે.
ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું અને કાટમાળ ખસેડવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે સતત વરસાદના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી અનુભવાઈ રહી છે. ચેંબુર ખાતે અત્યાર સુધીમાં 16 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
અનેક કલાકો સુધી વરસાદ વરસવાના કારણે મુંબઈના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે જેથી લોકોને પરિવહનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. મુંબઈનો સાયન રેલવે ટ્રેક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો હતો અને અનેક કલાકો સુધી વરસાદ પડવાના લીધે રેલવે સ્ટેશન પર બનેલા ટ્રેક પર ઘૂંટણ સમાણા પાણી ભરાયા હતા.
માયાનગરીના અનેક વિસ્તારોમાં તો ઘરની અંદર પણ પાણી ભરાયા હતા. હનુમાન નગર વિસ્તારમાં વરસાદનું પાણી એટલી હદે જમા થઈ ગયું કે ત્યાંના ઘરોમાં ઘૂસી ગયું હતું. આ કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ઘરની અંદર રહેલી જરૂરી ચીજ વસ્તુઓ પણ પલળી ગઈ હતી.