મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું છે, રાજ્ય સરકાર કોરોનાની સારવારની સાચી દિશા અને સાચી નિયતના ઉપાયો તથા સેવા સંગઠનો તથા લોક સહયોગથી કોરોનાની બીજી લહેરને માત આપશે અને ગુજરાતને બીજી લહેરમાંથી ઝડપથી બહાર આવનારુ પ્રથમ રાજ્ય બનાવશે. સરકાર માર્ચ મહિનાથી જ કોરોનાની બીજી લહેર સામે લડવા કામે લાગી ગઈ હતી. બે મહિનામાં હોસ્પિટલમાં એક લાખ બેડ, 1100 ટન ઓક્સિજન સપ્લાય, 7 લાખ રેમડેસિવિર ઇન્જેક્શન અને અન્ય આવશ્યક દવાઓની આપૂર્તિ માટે સરકારના પ્રયત્નો ફળીભૂત થયા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે છેલ્લા બે મહિનાથી રાજ્ય સરકાર સાચી દિશા અને નિયતથી કોરોના નિયંત્રણની કામગીરી કરી રહી છે જેને કારણે રાજ્યમાં ડિસ્ચાર્જ રેટ વધી રહ્યો છે અને પોઝિટિવિટી રેટ ઘટી રહ્યો છે અને એપ્રિલ મહિનામાં જે કેસો વધ્યા હતા તે સામે હવે પરિસ્થિતિ નિયંત્રણ તરફ જઇ રહી છે. તેમણે કહ્યું હતું કે કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા માટે પણ સરકારે પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. સોમવારે રાજ્યના ટાસ્ક ફોર્સના તબીબો વૈજ્ઞાનિકો બાયોટેકનોલોજી ના તજજ્ઞો અને ઉચ્ચ અધિકારીઓ સાથે કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠકનું તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ વડોદરા ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા 1.28 કરોડના ખર્ચે વડાદરાની ચાર હોસ્પિટલો માટે બનાવવામાં આવેલા ચાર નવા ઓક્સિજન પ્લાન્ટનું ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સિજનનો અવિરત પુરવઠો આપવામાં આવી રહ્યો છે. ઓકસીજનના અભાવે રાજ્યમાં ક્યાંય કોઈને જીવ ગુમાવવો પડે નહિ તેવી સ્થિતિ ઊભી કરી છે. કપરા કાળમાં ગુજરાતની અનેક સામાજીક ધાર્મિક સંસ્થાઓ અને શ્રેષ્ઠીજનોએ આગળ આવી સરકાર સાથે ખભે ખભા મીલાવી કામ કર્યું છે.
વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા 1.28 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટ એસ.એસ.જી. હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, વ્રજધામ કોવિડ સેન્ટર અને નરહરિ હોસ્પિટલ ખાતે દર્દીઓની સારવારમાં ઉપયોગી થશે.
આ પ્રસંગે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન ના પ્રણેતા વ્રજરાજકુમારજી ગોસ્વામીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં ગુજરાત સરકાર જનતાની સુરક્ષા માટે દિન રાત જહેમત ઉઠાવી રહી છે અને વહીવટીતંત્ર પણ પૂરી સંવેદનશીલતા સાથે કામ કરી રહ્યું છે. તેમ સમાજના શ્રેષ્ઠીઓ સેવાભાવી સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓ આ મહા આપદામાં સાથે મળી સરકારી તંત્રને ટીકો આપે તે સમયની માંગ છે.