PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ન્યાય અને શિક્ષણથી લઇ બે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય પણ અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે.
મીટિંગ બાદ કેન્દ્રીય માહિતી અને પ્રાસરણ મંત્રી અનુરાગ ઠાકુર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ કોન્ફ્રન્સ કરી આ નિર્ણય અંગે જણાવ્યું.
કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી અન્નપૂર્ણા દેવી અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી એલ મુરુગન પણ મીડિયા બ્રીફિંગ દરમિયાન હાજર રહ્યા હતા. ચાલો કેબિનેટના આ નિર્ણય વિશે જાણીએ.
તાત્કાલિક ન્યાય માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચનાને મંજૂરી
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે મહિલાઓ અને બાળકો સાથે સજાતીય ગુનાઓના કેસોમાં ન્યાય માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચનાને મંજૂરી આપવામાં આવી છે. પીડિતોને તાત્કાલિક ન્યાય મળશે, ખાસ કરીને દુષ્કર્મના કેસોમાં. તેમણે કહ્યું કે દેશમાં અંદાજે 1,023 ફાસ્ટ ટ્રેક કોર્ટ છે, જે નિયમિતપણે કાર્યરત રહેશે. 389 પોક્સો કોર્ટ છે, જે પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા કેસોની સુનાવણી કરે છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ યોજના 2019 માં શરૂ કરવામાં આવી હતી. આજની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, 31 માર્ચ, 2023 સુધી તેના પર સતત કામ કરવામાં આવશે. પ્રોજેક્ટ પર કુલ 1572.86 કરોડનો ખર્ચ થશે. કેન્દ્ર સરકારનો હિસ્સો 971.70 કરોડ રૂપિયા થશે, જ્યારે બાકીના 601.16 કરોડ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા ખર્ચવામાં આવશે.
2.94 લાખ કરોડના સમગ્ર શિક્ષણને મંજૂરી
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે કેબિનેટે 2.94 લાખ કરોડ રૂપિયાની સમગ્ર શિક્ષણ -2 યોજનાને મંજૂરી આપી દીધી છે. તે અંતર્ગત શિક્ષણમાં અભિનવ પ્રયોગોને સમાવેશ કરવામાં આવશે. નજીકના ભવિષ્યમાં ખૂબ જ નાના બાળકો માટે સરકારી શાળામાં પ્લે સ્કૂલ શરૂ કરવાની પણ ચર્ચા છે. તેમાં, બાળકોને 3 વર્ષની ઉંમરથી રમત શીખવવામાં આવશે.