સૌરાષ્ટ્રના ખેડૂતો માટે હાલ સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં એક મણ કપાસના ભાવ 1570 પર પહોંચ્યા છે. ઘણા લાંબા સમય બાદ કપાસના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યાં હોવાનું સામે આવ્યું છે.
સૌરાષ્ટ્ર APMCના વેપારી એસોસિયેશનના પ્રમુખ અતુલભાઈ કામાણીએ જણાવ્યું હતું કે, અંદાજિત 11 વર્ષથી વધુનો સમય વીતી ચૂક્યો છે કે, જ્યારે ખેડૂતોને આ પ્રકારે કપાસના ભાવ મળ્યા હોય. શંકરસિંહ વાઘેલા જ્યારે કેન્દ્રીય કાપડ મંત્રી હતા ત્યારે કપાસના ભાવ 1,500 પાર ગયા હતા.
ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું હોવાના કારણે તેમજ વૈશ્વિક બજારમાં કપાસની માંગ વધતા કપાસના ભાવ આસમાને પહોંચ્યા છે.
ત્યારે હાલ જે પ્રમાણે કપાસના સારા એવા ભાવ મળી રહ્યા છે. જેના કારણે હાલ શક્યતા સેવાઇ રહી છે કે, આવતા વર્ષે ખેડૂતો ગત વર્ષની સરખામણીએ તેમજ ચાલુ વર્ષની સરખામણીએ આગામી વર્ષે કપાસના વાવેતરમાં વધારો કરશે.