Fri. Oct 4th, 2024

રાજકોટ / GPCBએ ચાર કારખાનાને બંધ કરવા આદેશ કર્યો, વેગડી ગામના ખેડૂતોના આપઘાતના પડઘા પડયા

રાજકોટ : ધોરાજીના વેગડી ગામના ખેડૂતોના આપઘાત બાદ તંત્ર સફાળું જાગ્યું છે.અને પ્રદુષણ ફેલાવતા કારખાનાઓ પર ગાજ વરસાવી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પ્રદૂષણ ફેલાવતા 4 કારખાનાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે.

મહત્વપૂર્ણ છે કે કારખાનાઓ દ્વારા પ્રદુષણ ફેલાવતા ખેતીમાં નુકસાનીના પગલે એક ખેડૂતો આપઘાત કર્યો હતો. આ ઘટના બાદ પ્રદુષણ ફેલાવતા કારખાના બંધ કરવા માટે કિસાન સંઘ અને વેગડીના ગ્રામજનોએ વિરોધ કરીને કારખાનાઓ વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી હતી.

જે મામલે તપાસ બાદ GPCBએ,મિહિર પ્લાસ્ટિક, ઇશા પ્લાસ્ટિક, રાજા પ્લાસ્ટિક અને ઓમ ફૂડ પેકેજિંગને યુનિટ બંધ કરવા ફરમાન જાહેર કર્યું છે. નોંધનીય છે કે, 24 ઓગસ્ટના રોજ ધોરાજી તાલુકાના ખેડૂત આપઘાતના વિરોધમાં વેગડી ગામમાં બંધનું એલાન પણ અપાયું હતું.

આ મામલે આજે કિસાન સંઘની આગેવાનીમાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોના ઉગ્ર પ્રદર્શન બાદ GPCBના અધિકારીઓ વેગડી ગામ પહોંચ્યા હતા. GPCBના અધિકારીએ તપાસ કરીને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાત્રી ખેડૂતોને આપી હતી.


મહત્વનું છે કે ધોરાજીના વેગડી ગામના ખેડૂતે આપઘાત કર્યો હતો. વેગડીના ખેડૂતે પોતાના જ ખેતરમાં ઝાડ પર ગળાફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હતું. આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી અને કપાસનો પાક નિષ્ફળ જવાથી આપઘાત કર્યાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. મોતને ભેટેલા ખેડૂતના ખેતર નજીક વેગડી GIDCના પ્લાસ્ટિક કારખાનાઓ છે.

આ કારખાનામાંથી પ્લાસ્ટિકની બેગનું ધોવાણ કરવામાં આવે છે જેથી હવા અને ગેસ મારફતે પ્રદુષણ ફેલાતા કપાસનો પાક બળી ગયો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. ખેડૂતના આપઘાતથી 4 દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

Related Post

Verified by MonsterInsights