Wed. Sep 18th, 2024

રાજ્યના ધો 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં મળે, મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય

કોરોના વાયરસ મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી શિક્ષણ પર ગ્રહણ લાગ્યું છે. શાળાઓ બંધ છે અને ઓનલાઇન શિક્ષણ શરુ છે. આ સમયમાં પરીક્ષો પણ લઇ શકાય તેમ નથી. માટે બાળકોને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. આ જ કડીમાં હમણા રાજ્ય સરકારે દસમા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. જો કે આ નિર્ણય બાદ એવી પણ ચર્ચા શરુ થઇ હતી કે ધોરણ 12ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવી શકે છે. આ અંગે અનેક અટકળો વહેતા હતી.

ત્યારે હવે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ લાગ્યું છે. કોરોનાની સ્થિતિની સમીક્ષઆ કરવા બનાસકાંઠા ગયેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પાલનપુરમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની કોઇ વિચારણા નથી. આ સિવાય મુખ્યમંત્રીના નિવાસ સ્થાને કોર કમિટીની બેઠક પણ મળી હતી, જેમાં 12મા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એટલે કે હવે જ્યારે કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવી જશે ત્યારબાદ પરીક્ષા લેવામાં આવશે. વિજય રુપાણીએ આજે કહ્યું હતું કે 12મા ધોરણની પરીક્ષા કારકિર્દી માટે અને યુનિવર્સિટીમાં પ્રવેશ માટે મહત્વની છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષણમંત્રી સાથેની બેઠક બાદ ધોરણ 12ની પરીક્ષા યોજવાનો નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં ઉર્જામંત્રી, ગૃહમંત્રી, શિક્ષણમંત્રી મુખ્ય સચિવ અનિલ મુકીમ સહિત આરોગ્ય અને શિક્ષણ વિભાગના સેક્રેટરી હાજર હતા.

Related Post

Verified by MonsterInsights