ગુજરાતમાં કોરોના સંકટ વચ્ચે 7 જૂન એટલે કે સોમવારથી શૈક્ષણિક વર્ષ 2021-2022નો પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યમાં કોલેજો પણ સોમવારથી શરૂ થશે. શિક્ષકો શાળાએ જશે પરંતુ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ અપાશે.
કોરોના કાળ વચ્ચે ફરી રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. 7 જૂન સોમવારથી ગુજરાતભરમાં નવા શૈક્ષણિક સત્ર 2021-2022ની શરૂઆત થઈ રહી છે. કોરોના મહામારી વચ્ચે ફરીથી ઓનલાઇન શિક્ષણની શરૂઆત થશે. મહત્વનું છે કે આ વર્ષે કોરોનાને કારણે ધોરણ 1થી 12ની તમામ પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી છે. બધા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કોલેજોમાં પણ સોમવારથી નવા સત્રની શરૂઆત થશે.
રાજ્યમાં વિદ્યાર્થીઓને અપાયું છે માસ પ્રમોશન
વિશ્વ સહિત ભારત અને ગુજરાતમાં આવેલી કોરોના મહામારીની અસર શિક્ષણ જગત પર પડી છે. છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી શાળાઓ બંધ છે. વચ્ચે થોડા સમય માટે શાળાઓ શરૂ કરવામાં આવી હતી. શૈક્ષણિક વર્ષ 2020-2021 પર કોરોનાની ગંભીર અસર પડી છે. રાજ્યમાં આવેલી કોરોનાની બીજી વેવને કારણે પરીક્ષાના આયોજનો થઈ શક્યા નથી. આ કારણે તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યા છે.
ઓનલાઇન ક્લાસ સાથે શરૂ થશે નવું સત્ર
ગુજરાતમાં સોમવારથી ઓનલાઇન શિક્ષણ સાથે નવા સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યમાં સોમવારથી 100 ટકા કર્મચારીઓ સાથે શાળાઓ શરૂ થશે. શિક્ષણ વિભાગે એકપણ વિદ્યાર્થીને શાળાએ ન બોલાવવાની તાકીદ કરી છે. રાજ્યમાં ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે પરંતુ હજુ તેનું પરિણામ આવ્યું નથી. એટલે ધોરણ-11ના ઓનલાઇન વર્ગો સોમવારથી શરૂ થશે નહીં.
આવતીકાલથી રાજ્યમાં આવેલી કોલેજો પણ શરૂ થશે
રાજ્યભરની કોલેજોમાં પણ સોમવારથી નવા શૈક્ષણિક સત્રની સરૂઆત થઈ રહી છે. યુવી સેમેન્ટર 3 અને 5ના વર્ગો સોમવારથી ઓનલાઇન શરૂ થવાના છે. આ સાથે અન્ય કોલેજો પણ ઓનલાઇન રાબેતા મુજબ પોતાના અભ્યાસક્રમની શરૂઆત કરશે. શાળાની જેમ તમામ કોલેજોમાં હાલના સમય માટે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે. રાજ્યની કોલેજોમાં 1 નવેમ્બરથી 13 દિવસનું દિવાળી વેકેશન રહેશે.