Fri. Jan 17th, 2025

લાલુના એક ફોનના કારણે નિતિશ સરકાર પર ખતરો? જાણો શું છે મામલો

ચારા કૌભાંડમાં જામીન મળ્યા બાદ બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ જેલમાંથી બહાર આવી ગયા બાદ બિહારના રાજકારણમાં ઉથલ પાથલ થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે.

ખાસ કરીને બિહારમાં નિતિશ કુમારની સરકાર પર ખતરો મંડરાઈ રહ્યો છે. કારણકે લાલુ પ્રસાદ યાદવે બિહારની એનડીએ સરકારમાં સામેલ હિન્દુસ્તાની અવામ મોરચાના અધ્યક્ષ જીતન રામ માંજી સાથે ટેલિફોન પર 12 મિનિટ સુધી કરેલી વાતચીત ચર્ચાનો વિષય બની છે.

બિહારમાં 243 બેઠકો છે અને નિતિશ કુમારની સરકાર 127 ધારાસભ્યોના  સમર્થન સાથે સાવ પાતળી બહુમતી થઈ ચાલી રહી છે. એવુ મનાય છે કે, જીતન રામ માંજીને લાલુ પ્રસાદ યાદવે બહુ મોટી ઓફર આપી છે. આ સિવાય લાલુ પ્રસાદે એનડીએમાં સામેલ અન્ય એક પાર્ટી વિકાસશીલ ઈન્સાન પાર્ટીના પ્રમુખ મુકેશ સાહની સાથે પણ ફોન પર વાત કરી છે.

જોકે સાહનીએ એનડીએમાં ભંગાણનો ઈનકાર કર્યો છે. પણ જો હાલમાં ચાલી રહેલી અટકળો સાચી પડે તો જીતન રામ માંજીની પાર્ટીના ચાર અને મુકેશ સહાનીની પાર્ટીના ચાર ધારાસભ્યો એમ કુલ આઠ ધારાસભ્યો નિતિશ કુમારની સરકાર માટે ખતરો સાબિત થઈ શકે છે.

જોકે તેની સામે ભાજપના નેતા અને બિહાર સરકારના મંત્રી અમરેન્દ્ર પ્રતાપ સિંહે દાવો કર્યો છે કે, મહાગઠબંધનના અને ખાસ કરીને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો મારી પાર્ટીના સંપર્કમાં છે. અમે ઈચ્છીએ ત્યારે તેમને પલટી મરાવી શકીએ છે. હા કોઈ સારી વ્યક્તિ સામેથી અમારી સાથે આવવા માંગતી હોય તો સ્વાગત છે. એનડીએ અતુટ અને એક છે.

ઉલ્લેખનીય છે કે, જીતન રામ માંજીએ 11 જૂને તેજ પ્રતાપ યાદવ સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન તેજ પ્રતાપે લાલુ પ્રસાદ યાદવ સાથે માંજીની ફોન પર વાત કરાવી હતી. જોકે માંજીએ કહ્યુ હતુ કે, આ મુલાકાતને રાજનીતિ સાથે સબંધ નહોતો.

Related Post

Verified by MonsterInsights