કોરોનાને કારણે રાજ્યમાં સરકારે જિમ બંધ કરી દીધા છે. તેવામાં બોપલમાં જિમ ટ્રેનર તરીકે ફરજ બજાવતા ત્રણ લોકોએ સાથે મળી ઘરફોડ ચોરીનું કામ શરૂ કર્યું હતું.
અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીને ગુનામાં કુખ્યાત ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી પાડયા છે. પકડાયેલા ત્રણેય શખ્સો જિમ ટ્રેનર તરીકે કામ કરતા અને રાત્રી દરમિયાન ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતા. અગાઉ પણ ઘરફોડ ચોરીના કેસોમાં આરોપીઓ પકડાઇ ચૂક્યા છે.
પોલીસ કસ્ટડીમાં આવેલા આ ત્રણેય ચીખલીકર ગેંગના સાગરિતો છે. જેમાંથી મુખ્ય સૂત્રધાર જશપાલસિંહ ઉર્ફે પ્રધાન સિંઘ સરદાર પોતાના અન્ય બે સાગરીતો સાથે ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતો. અન્ય બે શખ્સો મહેન્દ્રસિંહ સરદાર અને ગબ્બર સિંહ સરદાર અગાઉ પણ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઇ ચૂક્યા છે.
પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યુ છે કે તાજેતરમાં જ બોપલ વિસ્તારમાં થયેલી ચોરીના ગુનાને આ ત્રણેય આરોપીઓ ભેગા મળી અંજામ આપ્યો હતો. જોકે પોલીસે CCTV ફૂટેજ આધારે આરોપીઓ પાસેથી 1.61 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આરોપીઓની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો જશપાલસિંહ પ્રધાન અને સિંહ જિમ ટ્રેનર તરીકે બોપલ વિસ્તારમાં જ નોકરી કરતા હતા.
ઝડપાયેલા આરોપીની પૂછપરછ મા સામે આવ્યુ કે બે આરોપી જમાઈ અને સસરા છે. એકાદ વર્ષ પહેલા આરોપી બોપલમા જીમ ટ્રેનર તરીકે કામે લાગ્યા હતા પરંતુ લોકડાઉનમાં જીમ બંધ થઈ જતાં ફરી એક વખત જશપાલસિંહ અને ગબ્બર પોતાની ટોળકી સાથે ઘરફોડ ચોરી કરવાના રવાડે ચડયા હતા.