વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબે આપઘાત કર્યો છે. હોસ્પિટલના બોયઝ હોસ્ટેલમાં છઠ્ઠા માળે પોતાના રૂમમાં સિધ્ધાર્થ ભદ્રેચા નામના રેસિડન્ટ તબીબે આપઘાત કરી લેતા ચકચાર મચી છે.
સિદ્ધાર્થ ભદ્રેચા ફાયનલ યરમાં અભ્યાસ કરતો હતો. રેસિડન્ટ તબીબ સિધ્ધાર્થ ભદ્રેચા પાસેથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. પાંચ દિવસ પહેલા જ કોવિડ વોર્ડમાંથી તેની ડયુટી પૂરી થઈ હતી. જોકે, આ ફ્રન્ટલાઈન કોરોના વોરિયરે કયા કારણોસર આત્મહત્યા કરી તે કારણ હજી સામે આવ્યું નથી. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
વડોદરાના એસીપી બકુલ ચૌધરીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, સિદ્ધાર્થ ભદ્રેચા મૂળ જુનાગઢનો રહેવાસી હતો. તે ગોત્રીની મેડિક કોલેજના ફાઈનલ યરમાં અભ્યાસ કરતો હતો. તેના પરિવારમાં માતાપિતા અને એક બહેન છે. તે પરિવારનો એકનો એક દીકરો હતો. મોડી રાત્રે દોઢ વાગ્યે તેણે આત્મહત્યા કર્યાનું ખૂ્લ્યું છે. હોસ્ટેલના 608 નંબરના રૂમમાં તેણે આત્મહત્યા કરી હતી. તેના બાદ તેના રૂમ પાર્ટનરે હોસ્પિટલને જાણ કરી હતી. કયા કારણોસર કર્યુ તે વિશે તપાસ કરી રહ્યાં છે. રૂમમાંથી સિદ્ધાર્થે લખેલી સ્યૂસાઈડ નોટ મળી આવી છે, અમારું ઈન્વેસ્ટીગેશન ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ સતત તણાવમાં રહેતો હોવાનુ સામે આવ્યું છે. થોડા સમયમા જ તે તબીબ બની જવાનો હતો તો શા માટે આવુ પગલુ ભર્યું તે વિશે તેના સાથી મિત્રો પણ અચંબામાં મૂકાયા છે.