વલસાડ શહેરમાં કોરોનાના ખૌફના માહોલમાં પણ દારૂની મહેફિલ માણતા નબીરાઓને વલસાડ સિટી પોલીસે ઝડપી પાડ્યા છે. અડધી રાત્રે વલસાડ સિટી પોલીસે વલસાડના તિથલ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રેડ પાડી હતી. તે દરમિયાન એક નબીરાની બર્થડે પાર્ટીમાં શરાબની મહેફિલ માણતા 10 યુવકો અને ચાર યુવતીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આમ અડધી રાત્રે પોલીસે બોલાવેલી ધમાચકડીને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી.

પોલીસે 10 યુવકો અને 4 યુવતીઓને પકડ્યા

બનાવની વિગતની વાત કરીએ તો, વલસાડના તિથલ રોડ પર આવેલા સૂકૃતી એપાર્ટમેન્ટમાં શરાબની મહેફિલ ચાલી રહી હોવાની વલસાડ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને માહિતી મળી હતી. મહેફિલની માહિતી મળતા જ વલસાડ સિટી પોલીસની ટીમ અડધી રાત્રે પૂરી તૈયારી સાથે સાથે સુકૃતિ અપાર્ટમેન્ટના પહેલા માળ પર આવેલા એક ફ્લેટમાં પહોંચી હતી. ફ્લેટનો દરવાજો ખોલીને અંદર ઘુસતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે, ફ્લેટ બંધ કરી અને અંદર મોટી સંખ્યામાં યુવકો અને યુવતીઓ વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે દારૂની મહેફિલ માણતા 10 યુવકો અને 4 યુવતીઓને પણ ઝડપી લીધા હતા અને તમામની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

યુવકની બર્થડે પાર્ટી પર મિત્રોને બોલાવ્યા હતા

આ કાર્યવાહીમાં પોલીસે વિદેશી દારૂની બોટલો અને મોબાઈલ ફોન અને અન્ય વાહનો મળી રૂપિયા ત્રણ લાખથી વધુની રકમનો મુદ્દામાલ જપ્ત કરી દસ યુવકો અને ચાર યુવતીઓની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, ઉત્કર્ષ શિવકુમાર ગહેલોત નામના એક નબીરાનો બર્થ ડે હતો. તેણે પોતાના સસરાના ફ્લેટ પર આ પાર્ટી રાખી હતી. જ્યાં તેની પત્ની અને કેટલાક મિત્રો હાજર હતા. મોડી રાત સુધી નબીરાઓએ ફ્લેટમાં દારૂની મહેફિલ માણી હતી. જેની જાણ વલસાડ પોલીસના કંટ્રોલ રૂમમાં થતાં તાત્કાલિક સિટી પોલીસની ટીમ કામે લાગી અને ગણતરીની મિનિટોમાં જ પૂરી તૈયારી સાથે પોલીસે દારૂના નશામાં ચકચૂર 10 યુવકો અને ચાર યુવતીઓની પણ ધરપકડ કરી હતી. સ્થળ પરથી વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો.

કયા કયા નબીરા પકડાયા

ઉત્કર્ષ શિવકુમાર ગહેલોત (બર્થડે બોય)

હર્ષ નવીન ગડા

દીપ વિજયકુમાર મોદી

પલ્લવ જિતેન્દ્ર શાહ

ચિંતન નવીન ગડા

ઋષભ અજય પુજારા

ભાવિન પ્રવીણ લીમ્બાચીયા

કેયુર અરૂણભાઇ પટેલ

પ્રતિક હિમાંશુ દેસાઈ

ધ્રુવાંગ જનક ગોકાણી

આ યુવકો સાથે યુવતીઓ પણ દારૂની મહેફિલમાંથી ઝડપાઈ હતી. ઝડપાયેલી યુવતીઓના નામ પર એક નજર કરીએ તો..

માનસી શિવકુમાર ગહલોત

મૈત્રી ઉત્કર્ષ ગહેલોત

ખુશી ઉર્ફે ખુશ્બુ દીપ વિજયકુમાર મોદી

સોનાલી રવિન્દ્ર કરંજકર

પોલીસ પકડથી છૂટવા નબીરાઓના ધમપછાડા

મોટા ઘરના નબીરાઓ દારૂની મહેફિલ માણતાં ઝડપાયા હોવાના સમાચાર મળતા જ મોટા માથાઓ પણ તેમને છોડાવવા માટે પોલીસ સ્ટેશનના ધમપછાડા કરતા જોવા મળ્યા. જોકે વલસાડ સિટી પોલીસે કોઈની પણ શેહશરમ રાખ્યા વિના તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને દારૂની મહેફિલ માણતાં ઝડપાયા યુવક અને યુવતીઓ વિરોધ મહેફિલના કેસની સાથે કોરોના ગાઇડલાઇનના ભંગ અને સરકારના આદેશ અને જાહેરનામાના ભંગ બદલ પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. આમ વલસાડ સિટી પોલીસે કારોના કાળમાં પણ બેફામ બની અને મહેફિલ માણતા નબીરાઓને કાયદાનું ભાન કરાવવા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page