Fri. Sep 20th, 2024

સુરતના બે ભૂલકાઓએ એક એવુ કામ કર્યું છે જેણે સૌને ચોંકાવી દીધા

દેશ કોરોનાની બીજી લહેરમાંથી નીકળીને ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કરી રહ્યો છે. ત્યારે સુરતના બે ભૂલકાઓએ એક એવુ કામ કર્યું છે જેણે સૌને ચોંકાવી દીધા છે.

Surat : સુરતમાં કોરોનાની પહેલી અને બીજી લહેર ખૂબ ઘાતક રહી હતી. કોરોનાના કેસોની સામે મોતનો આંકડો પણ સૌથી વધારે નોંધાયો હતો. કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજનની તંગી પણ ઉભી થઈ હતી તો કેટલીક હોસ્પિટલોમાં વેન્ટિલેટર અને ઓક્સિજનના (Oxygen) બાટલાની પણ તીવ્ર માંગ ઉઠવા પામી હતી. દેશ કોરોનાની બીજી લહેરમાંથી નીકળીને ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કરી રહ્યો છે. ત્યારે સુરતના બે ભૂલકાઓએ એક એવુ કામ કર્યું છે જેણે સૌને ચોંકાવી દીધા છે.

હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે. આ બાળકો કુંભારે પરિવારના હોવાની માહિતી છે. 9 વર્ષનો મયંક સુશીલ કુંભારે અને 6 વર્ષની શ્રુતિ સુરેશ કુંભારેએ પોતાના માતાપિતા પાસે ગિફ્ટમાં કોઈ રમકડાં નહીં માંગ્યા પણ માંગ્યું તો ઓક્સિજન મશીન.

સંતાનોની આ માંગ જોઈને માતાપિતા પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા કે છોકરાઓ આવી જીદ કેમ કરે છે પણ જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે બંને બાળકોએ જણાવ્યું કે તેમણે સમાચારમાં ઓક્સિજનની અને વેન્ટિલેટરની અછત વિશે જોયું છે. તેના અભાવે લોકોને જીવ ગુમાવતા પણ જોયા છે.

ત્યારે આ સમાચારે બાળકોના માનસપટ પર એવી અસર કરી કે તેઓએ નક્કી કર્યું કે શા માટે એક ઓક્સિજન મશીન ન ખરીદવામાં આવે જેથી જો ભવિષ્યમાં કોઈ દર્દીને તેની જરૂર ઉભી થાય તો તેઓ કોઈને મદદ કરી શકે. મયંક અને શ્રુતિએ આ મશીન ખરીદીને પોતાની ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કેવી છે તેનો એક સંદેશ આપ્યો છે.

નાના ભૂલકાઓ ભગવાનને પ્રાર્થના કરતા પણ નજરે ચડે છે કે ત્રીજી લહેર આવવી જ ન જોઈએ પણ જો આવે તો તેઓ મદદ કરવા તૈયાર છે. તેમણે વીડિયોના અંતમાં લોકોને પણ સંદેશ આપ્યો છે, જેથી બીજા પણ આવી મદદ કરવા તૈયાર થાય.

Related Post

Verified by MonsterInsights