સુરતના કમેલા દરવાજા પાસે આવેલ મિલેનિયમ-2 માર્કેટમાં એક દુકાન આજે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી જોકે આગ ફેલાતા ત્યાં અફડાતફડી મચી જવા પામી હતી. જોકે ત્યાં 9 ફાયર સ્ટેશનની 16 ગાડીઓ ઘટનાસ્થળે જઈને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી છે.
ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ કમેલા દરવાજાના ભાઠેના ફલાય ઓવર બ્રિજ પાસે આવેલ મિલેનિયમ-2 માર્કેટમાં એક કપડાની દુકાન આજે બપોરે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગ ફેલાતા ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા. જેના લીધે ત્યાં ભારે ભાગ દોડ થઈ જવા પામી હતી. જોકે આખા ફ્લોર પર ધુમાડો ફેલાઈ ગયો હોવાથી ત્યાં લોકોની હાલત કફોડી થઇ ગઇ હતી
આ અંગે ચીફ ફાયર ઓફિસર બસંત પરીક તથા ફાયર ઓફિસરો સાથે ફાયર ફાયટરો ઘટનાસ્થળે ધસી ગયો હતો અને ત્યાં માન દરવાજા, ડુંભાલ, મજુરા ગેટ, નવસારી બજાર, ઘાંચી શેરી, ડીંડોલી, કતારગામ, અડાજણ અને મોરાભાગલ ફાયર સ્ટેશનની 16 જેટલી ગાડી ઘટનાસ્થળે ધસી ગઈ છે. ફાયર જવાનો દ્વારા ત્યાં સતત પાણીનો છંટકાવ કરી આગ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહિ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.