સુરતમાં દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં ગરબા રમતા વિદ્યાર્થીઓ સાથે પોલીસનું ઘર્ષણ થયું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવરાત્રિમાં માત્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે જ આયોજન હતું. ઉમરા પોલીસે વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહ્યું હતું. વિદ્યાર્થીઓએ સામે પોલીસને પૂછ્યું કે તમે કોની મંજૂરીથી કોલેજ કેમ્પસમાં આવ્યા છો.

આ દરમિયાન બે-ત્રણ વિદ્યાર્થીઓએ ઉમરા પોલીસ સ્ટેશનનાં મહિલા પીઆઇ સહિત અન્ય પોલીસ કર્મચારી સાથે અસભ્ય વર્તન કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોતજોતાંમાં સ્થિતિ એટલી ઉગ્ર થઈ ગઈ હતી કે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી.

પીસીઆર વાનમાં આવેલા પોલીસ કર્મચારીઓએ સ્થિતિ વધુ વણસતાં અન્ય કર્મચારીઓને પણ બોલાવી લીધા હતા. કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરીને ઉમરા પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા.


વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસમાંથી ઉમરા પોલીસ સ્ટેશન લઇ જવાતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમને છોડાવવા માટે ઉમરા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવા પહોંચ્યા હતા.

વિદ્યાર્થીઓનું કહેવું હતું કે અમે પરમિશન સાથે ગરબાનું આયોજન કર્યું હતું તો પોલીસે ખોટી રીતે કેમ દખલ કર્યો હતો. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમરા પોલીસ સ્ટેશને પહોંચી જઈને પોલીસ વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page