સુરતના બે બાળકોએ પોતાના પીગી બેન્કમાં જમા થયેલા રૂપિયા કોરોના કહેરમાં સપડાયેલા લોકોની સહાય માટે આપી દીધા છે.11 વર્ષના આદિત્ય અને 6 વર્ષની અનન્યા આ બંને ભાઈ બહેને પીગી બેન્કમાં જમા કરેલા રૂ.41 હજાર સહાય માટે આપી દીધા છે.
રકમ નાની છે, પરંતુ બાળકોની આ ઉંમરે ભાવના ખુબ જ મોટી છે. પીગી બેન્કની રકમમાંથી તેના પિતાએ N95 માસ્ક ,સેનેટાઈઝર અને ગાર્ગલ માઉથ વોશ વગેરે વસ્તુઓ લઈને વિતરણ શરૂ કર્યું. ગુજરાતીમાં એક સરસ કહેવત છે કે મોરના ઈંડાને ચીતરવા ના પડે આજ કહેવત સુરતના બે નાના ભૂલકાઓએ સાબિત કરી બતાવી છે.
વર્ષના આદિત્ય અને અનન્યાને પિતાની સેવા જોઈ પોતે પણ આ ઉંમરે કોરોનમાં કઈ રીતે સેવા કરી શકે તેવો ભાવ જાગ્યો હતો અને કોરોના દર્દીઓની સારવાર કરવા માટે પોતાનાથી બનતો એક નાનકડો પ્રયાસ હાથ ધર્યો હતો. જેમાં પોતાના પીગી બેંકમાં જમા થયેલ રૂપિયા કોરોના દર્દીઓની સારવાર માટે ઉપયોગ કરવા તેમના પિતાને બંને બાળકોએ રજૂઆત કરી હતી.
આ ઉંમરમાં બાળકોની રજૂઆત સાંભળી પિતા પણ આશ્ચર્યમાં મુકાયા હતા અને તેમણે બાળકોની ભાવનાને બિરદાવી હતી. હવે સવાલ એ હતો કે આટલા નાના બાળકોના પીગી બેન્કમાંથી એટલા તો કેટલા રૂપિયા નીકળશે અને એનાથી કોરોના દર્દીઓની કઈ રીતની સેવા કરી શકીશું?
તેમ છતાં પિતાએ બાળકોનો સેવાનો જુસ્સો ઘટી ન જાય તે માટે પીગી બેન્ક ખોલાવી જેમાંથી 41,000 રૂપિયા નીકળ્યા હતા. બંને બાળકોએ હસતા હસતા આ 41 હજાર રૂપિયા કોરોનામાં સારવાર લઈ રહેલા દર્દીઓને સમર્પિત કરી દીધા હતા.
બંને બાળકોના પિતા ગૌતમભાઈ સિરોહા મૂળ ડોક્ટર અને ટેક્સટાઈલ વ્યાપાર સાથે સંકળાયેલા છે. કોરોનાની બીજી લહેરમાં ગૌતમભાઈ આઈસોલેશન સેન્ટરમાં ડોક્ટરની સેવા આપી રહ્યાં હતા. સુરતના જુદા જુદા વિસ્તારમાં સેવા સામાજિક સંસ્થા અંતર્ગત કોરોના દર્દીઓની સારવાર માટે આઈસોલેશન સેન્ટર ચાલી રહ્યાં હતા, જેમાં ગૌતમભાઈ દર્દીઓની સારવાર માટે સેવા કરી રહ્યા છે.
પિતાની આ પ્રકારની સેવા જોઈ તેમના બાળકોને પણ કંઈક રીતે સેવા કરવાનો ભાવ ઉઠ્યો હતો. ત્યારે નાની દીકરી અનન્યાનો જન્મદિવસ આવી રહ્યો હતો અને આ જન્મદિવસ નિમિત્તે અનન્યાએ અને તેના ભાઈ આદિત્યએ પિતાને જન્મદિવસ નહીં ઉજવી પોતાના પીગી બેંકમાં જમા રહેલ રૂપિયા કોરોના દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવા રજૂઆત કરી હતી.
આઈસોલેશન સેન્ટરમાં સારવારમાં દર્દીઓને માસ્ક, સેનેટાઈઝર અને ગાર્ગલ માઉથ વોશ આપવામાં આવતું હતું. ત્યારે બાળકોનો સેવાના ભાવ જોઈ તેમના પિતા દ્વારા પીગી બેંકમાંથી નીકળેલા 41 હજારની રકમમાંથી N95 માસ્ક ,સેનેટાઈઝર અને ગાર્ગલ માઉથ વોશ જેવી વસ્તુઓ લાવી આઈસોલેશન સેન્ટરમાં દર્દીઓને વિતરણ કરવામાં આવી હતી.
સુરતના આ બંને ભાઈ – બહેને પોતાના પીગી બેન્કમાં જમા થયેલા 41000 રૂપિયા કોરોના દર્દીઓની સહાય માટે આપી દીધા છે. રકમ નાની છે પરંતુ બાળકોની આ ઉંમરે સેવાની ભાવના ખુબ જ મોટી છે.