Fri. Sep 20th, 2024

પ્રભારી અને રાજ્ય શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૩-૨૪ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

ભુજ: કચ્છ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી તેમજ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૩-૨૦૨૪ જિલ્લા આયોજન મંડળની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી.

જેમાં પ્રભારી મંત્રીશ્રીએ બાકી કામો તથા નવા આયોજનના કામોને સમયમર્યાદામાં ગુણવત્તાયુકત તેમજ સ્થાનિક પદાધિકારી તથા ધારાસભ્યો સાથે સંકલન સાધીને પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આગામી મિટીંગ પૂર્વે બાકી રહેતા કામો ઇન્ડકેસમાં શૂન્ય કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું .

વધુમાં તેમણે સંકલન તથા સમતોલ વિકાસ કરવા તેમજ છેવાડાના ગામ સુધી સરકારી યોજનાનો લાભ આપવા સૂચન કર્યું હતું. તેમણે કચ્છની ટીમને ગુજરાતની નંબર વન ટીમ બને તે દિશામાં ખરા અર્થમાં કર્મયોગી બની વિકાસનો રોડમેપ તૈયાર કરીને કામગીરી કરવા આહવાન કર્યું હતું.આ બેઠકમાં ૨૦૨૦-૨૧ વર્ષ થી વર્ષ ૨૦૨૨-૨૩ સુધીના મંજૂર થયેલા, શરૂ ન થયેલા અને પ્રગતિ હેઠળના તમામ કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

આયોજન મંડળના ઉપાધ્યક્ષશ્રી પારૂલબેન કારા, તેમજ ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઇ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ જાડેજા, ત્રિકમભાઇ છાંગા, અનિરુધ્ધભાઇ દવે તેમજ તમામ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, તમામ તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેનશ્રી કેશવજીભાઇ રોશિયા અને અગ્રણી જનપ્રતિનિધિઓએ મંજુર થયેલા કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા રજૂઆતો કરી હતી.
પ્રભારી મંત્રીશ્રી, કલેકટરશ્રી અમિત અરોરાઅને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિએ સબંધિત અમલીકરણ અધિકારીઓ પાસેથી આ કામો અંગે વર્તમાન સ્થિતિ જાણી કામો ત્વરીત પૂર્ણ કરવા સૂચના આપી હતી તેમજ જરૂર પડે એ અંગેની રજૂઆત અત્રેની કચેરીએ કરવા જણાવ્યું હતું. આ કામો ઝડપભેર પૂર્ણ કરવા અધ્યક્ષશ્રીએ ખાસ સૂચના આપી હતી.

આ વિકાસ કામો અંગે આયોજન અધિકારીશ્રી જે.કે.ચાવડાએ વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. જે પૈકી ૧૫ ટકા વિવેકાધીન તેમજ ૫ ટકા પ્રોત્સાહક હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪માં મળનાર ગ્રાન્ટ માટે જિલ્લાની તમામ તાલુકા આયોજન સમિતિઓ દ્વારા કુલ-૧૨૯૭.૯૯ લાખની રકમના કામોની દરખાસ્તો રજૂ થયેલ હતી. આજની જિલ્લા આયોજન મંડળ કચ્છની બેઠકમાં કુલ-૬૬૧ કામો રૂ।.૧૨૯૫.૯૯ લાખના મંજૂર કરવામાં આવ્યા હતા. જે પૈકી તાલુકાવાર મંજૂર કરવામાં આવેલ આયોજનની વિગતો નીચે પ્રમાણે છે.

ભચાઉના ૪૮ કામ રૂ.૧૦૫.૫૦ લાખના, લખપતના ૪૨ કામ રૂ. ૧૦૫.૫૦લાખના, અંજારના ૪૮ કામ રૂ.૧૦૭.૪૯ લાખના, ગાંધીધામમાં રૂ.૭૨.૫૦ લાખના ૩૨ કામ, રાપરમાં ૧૦૨.૫૦ લાખના ૫૪ કામ, ૪૩ કામ મુંદરામાં રૂ.૯૯.૫૦ લાખના, નખત્રાણામાં ૭૫ કામ, રૂ.૧૧૨.૫૦ લાખના, ભુજમાં ૬૭ કામ રૂ. ૧૨૪ લાખના, અબડાસામાં રૂ.૧૨૩.૫૦ લાખના ૭૭ કામો, અને માંડવીના રૂ.૯૯.૫૦ લાખના ૪૮ કામો થઇ ૧૫ ટકા વિવેકાધિન ગ્રાન્ટના કુલ રૂપિયા ૧૦૫૨.૪૯ લાખના ૫૩૪ કામો મજુર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૫ ટકા વિવેકાધીન અનુ.જાતિ જોગવાઇ હેઠળ રૂ. ૨૧૮.૫૦ લાખના ૧૧૭ કામ તથા ૫ ટકા પ્રોત્સાહક જોગવાઇ હેઠળ રૂ. ૨૫ લાખના ૧૦ કામો મંજૂર કરાયા હતા.

આ સાથે જિલ્લાની તમામ નગરપાલિકાના પ્રતિ નગરપાલિકા દીઠ રૂ।.૨૫ લાખ લેખે સાત નગરપાલિકાના રૂ।.૧૭૫ લાખના કુલ ૨૯ કામો મંજૂર કરવામાં આવ્યા .રાજ્ય સરકાર તરફથી મળતી બક્ષીપંચની ગ્રાન્ટમાંથી રૂ।.૫૦ લાખના કુલ ૨૧ કામો મંજૂર કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં નાયબ નિયામકશ્રી અને જિલ્લા આયોજન અધિકારીશ્રી મોરબી શ્રી જે.કે.બગીયા સરકારના નિરીક્ષક તરીકે, નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડયા, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ,સબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને જિલ્લા આયોજન કચેરીના કર્મયોગીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા

Related Post

Verified by MonsterInsights