અધેવાડા ગામે વાહન પાર્કિંગ કરવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા એક નિવૃત આર્મીમેન દ્વારા તેની પાસે રહેલી રીવોલ્વમાંથી ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી જવા પામી છે. જાણ થતાં જ એએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.
ભાવનગરના છેવાડા વિસ્તારમાં આવેલ અધેવાડા ગામે શિવેશ્વર સોસાયટીમાં રહેતા લાલજીભાઈ ડાભી અને પાડોશમાં રહેતા છગનભાઇ ભટ્ટ વચ્ચે ઘણા દિવસોથી સામાન્ય બાબતે તકરાર ચાલતી હતી. જેમાં આજે સોસાયટીના કોમન પ્લોટમાં વાહન પાર્કિંગ કરતાં નિવૃત્ત આર્મીના જવાન લાલજીભાઈ ડાભીને છગનભાઇ ભટ્ટ સાથે બોલાચાલી થઈ હતી. જેથી ઉશ્કેરાઈ ગુસ્સા પરનો કાબૂ ગુમાવતા નિવૃત્ત આર્મી જવાને તેની પાસે રહેલ લાયસન્સ વાળી રિવોલ્વરથી હવામાં ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કરી દેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં એએસપી સફીન હસન, ભરતનગર પોલીસ મથકના પીઆઈ યાદવ તથા એલસીબી સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.
ભાવનગરના એએસપી સફિન હસન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, શહેરના અધેવાડામાં આવેલ શિવેશ્વર સોસાયટીમાં ફાયરિંગની ઘટનામાં એક જ સોસાયટીમાં રહેતા નિવૃત આર્મીમેન અને તેના પાડોશી બંને વચ્ચે સોસાયટીના કોમન પ્લોટમાં પાર્કિંગ કરવા બાબતે ઉગ્ર બોલાચાલી થતા નિવૃત આર્મીમેને પોતાની લાઈસન્સવાળી રિવોલ્વરથી હવામાં ફાયરીંગ કર્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પોલીસે તાત્કાલિક હથિયાર, ફોડેલી કાર્તિઝ અને આરોપીને કબજે કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.