ગુવાહાટી : આસામમાં બે કરતા વધારે બાળકોના માતા-પિતા સરકારની યોજનાઓના લાભથી વંચિત રહી શકે છે. રાજ્યના મુખ્યમંત્રી હિંમંત બિસ્વા સરમાએ શનિવારે કહ્યું હતું કે આસામ સરકાર રાજ્ય યોજનાઓને લાભ આપવા તબક્કાવાર ‘બે બાળકોની નીતિ’ અમલમાં મૂકશે. તેમણે કહ્યું કે હાલમાં કેન્દ્ર સરકારની યોજનાઓમાં તે શક્ય નથી પરંતુ રાજ્ય સરકારની યોજનાઓમાં તેનો અમલ કરવામાં આવશે.
સરમાએ શનિવારે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત જનસંખ્યા નિયંત્રણ નીતિ અસમમાં બધી યોજનાઓમાં તત્કાલ લાગૂ થશે નહીં કારણ કે ઘણી યોજનાઓનું સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. તેમણે કહ્યું, ઘણી એવી યોજનાઓ છે, જેમાં અમે બે બાળકોની નીતિ લાગૂ કરી શકતા નથી, જેમ કે સ્કૂલો અને કોલેજોમાં નિ: શુલ્ક શિક્ષણ અથવા પ્રધાનમંત્રી યોજના હેઠળ આવાસ. પરંતુ કેટલીક યોજનાઓમાં રાજ્ય સરકાર આવાસ યોજના શરૂ કરે તો બે બાળકોનો નિયમ લાગુ કરી શકાય છે. રાજ્ય સરકારની દરેક યોજનામાં ધીરે ધીરે તેનો અમલ કરવામાં આવશે.