Thu. Sep 19th, 2024

Rajkot / પ્રદુષિત પાણીના કારણે પાક નિષ્ફળ જતા ખેડૂતનો આપઘાત, ધોરાજીના વેગડી ગામમાં બંધનું એલાન

Rajkot : જિલ્લાના ધોરાજી તાલુકાના ખેડૂત આપઘાતના વિરોધમાં વેગડી ગામમાં બંધનું એલાન અપાયું હતું. નોંધનીય છેકે પ્રદૂષણ સામેની લડાઇમાં ખેડૂતે આપઘાત કર્યો હોવાનું ખુલ્યું છે. આ મામલે આજે કિસાન સંઘની આગેવાનીમાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.

ઔધોગિક વિસ્તારમાં પ્રદૂષિત પાણીને કારણે ખેડૂતોની ખેતીને અસર થઇ શકે છે. ઔધોગિક ગંદાપાણીનો નિકાલ કરવાની માગ કરવામાં આવી છે. આ સાથે મૃતક ખેડૂતના પરિવારને અને અન્ય ખેડૂતોને પણ આર્થિક સહાયની પણ માગ કરવામાં આવી છે.

હાલ ખેડૂતોના વિરોધ પ્રદર્શનને લઇને વેગડી ગામમાં અંજપાભરી શાંતિનો માહોલ છે. ખેડૂતોના ઉગ્ર પ્રદર્શન બાદ GPCBના અધિકારીઓ વેગડી ગામ પહોંચ્યા છે. GPCBના અધિકારીએ તપાસ કરીને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખેડૂતોને ખાત્રી આપી છે. ત્યારે હવે ખેડૂતો આ મામલે કેવો પ્રતિસાદ આપે છે તેના પર સૌ કોઇની નજર મંડાયેલી રહેશે.


મહત્વનું છે કે ધોરાજીના વેગડી ગામના ખેડૂતે આપઘાત કર્યો હતો. વેગડીના ખેડૂતે પોતાના જ ખેતરમાં ઝાડ પર ગળાફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હતું. આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી અને કપાસનો પાક નિષ્ફળ જવાથી આપઘાત કર્યાનો સ્થાનિકોનો આક્ષેપ કર્યો છે. મોતને ભેટેલા ખેડૂતના ખેતર નજીક વેગડી GIDCના પ્લાસ્ટિક કારખાનાઓ છે.

આ કારખાનામાંથી પ્લાસ્ટિકની બેગનું ધોવાણ કરવામાં આવે છે જેથી હવા અને ગેસ મારફતે પ્રદુષણ ફેલાતા કપાસનો પાક બળી ગયો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. ખેડૂતના આપઘાતથી 4 દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

Related Post

Verified by MonsterInsights