કોરોનાની પરિસ્થિતિ સામે આપણો ભારત દેશ હાલ ઝઝૂમી રહ્યો છે. ત્યારે આ કપરી પરિસ્થિતિમાં હિંમત અને પ્રેરણા આપવાનું કાર્ય બે બાળકો દ્વારા કરવામાં આવી રહ્યુ છે. પોરબંદર જિલ્લાના અને હાલ યુકે (UK) રહેતા બે બાળકોનો વતન પ્રત્યેનો અનોખો પ્રેમ સામે આવ્યો છે.
કોરોનાની પરિસ્થિતિમાં પોતાન વતન ભારતને મદદરુપ થવા વિર અને આર્ય દ્વારા પ્રેરણાદાયી કાર્યની શરુઆત કરી છે. આ નાના ભૂલકાઓ રોજના 10 માઈલ સાયકલ પ્રવાસ કરી UKમાંથી ભારત માટે દાન એકઠું કરી રહ્યા છે અને તેઓએ કુલ 2 લાખનુ દાન એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
હાલ આ બાળકો અત્યાર સુધીમાં 1,61,000/- જેટલી રકમનું દાન તો એકઠું કરી ચુક્યા છે. 10 વર્ષના વિર અને 5 વર્ષના આર્યએ આ પ્રેરણાદાયી કાર્યની શરુઆત પોતાની પોકેટ મની દાન કરી હતી.
પોતાના વતન ભારતથી આટલા દુર રહેતા હોવા છતાં પણ જે રીતે આ નાના બાળકોએ પોતાનો વતન પ્રત્યેનો પ્રેમ બતાવ્યો છે અને જે રીતે તેઓ આટલી નાની ઉંમરે આટલો પરિશ્રમ કરી કોરોનાની આ પરિસ્થિતિમાં પોતાના દેશને મદદરૂપ થવા માટે જે કાર્ય કરી રહ્યા છે તે જોઈને ખરેખર દરેક ભારતીયને ગૌરવની લાગણી થઈ રહી છે.