રાજ્યમાં સતત કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ત્યારે સરકાર પણ સતત પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં રાજ્યમાં કોરોના વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલુ કરવામા આવ્યું છે, પરંતુ અમદાવાદ શહેરમાં વેક્સિનનો જથ્થો ખૂટી પડતાં અમદાવાદ શહેરના અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હોલ, મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલમાં 45 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાનું બંધ કરવાની જાહેરાત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.
માત્ર 45 વર્ષથી ઉપરના જ નહીં ફ્રન્ટલાઈન વોરિયર્સ, હેલ્થ વર્કરને પણ રસી આપવામાં નહિં આવે. જેથી હવે વૃદ્ધોને વેક્સિન નહિં આપી શકાય. વેક્સિનનો જથ્થો મળ્યા બાદ ફરી 45થી વધુ વયના લોકોને રસી આપશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોવિન એપ્લિકેશન કે વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરી 18થી 44 વર્ષની વયના લોકોને જ વેક્સિન આપવામાં આવશે. મ્યુનિસિપલ અને ખાનગી સ્કૂલોમાં 18થી 44 વર્ષના લોકોને જ વેક્સિન આપવામા આવશે.
આપને જણાવી દઈએ કે, સોમવારે રાજ્યમાં 1 લાખ 41 હજાર 843ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 99 લાખ 41 હજાર 391 લોકોને પ્રથમ ડોઝ અને 26 લાખ 31 હજાર 820 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 25 લાખ 73 હજાર 211નું વેક્સિનેશન પૂર્ણ થયું છે.
રાજ્યમાં ત્રણ મેના રોજ કોરોનાના 12,820 નવા કેસ નોંધાયા છે. જ્યારે રિકવર થયેલા દર્દીની સંખ્યા 11,999 રહી છે. તો નવ દિવસ બાદ 150થી ઓછા કેસ નોંધાયા છે, અગાઉ 24 એપ્રિલે પહેલીવાર 152 કેસ નોંધાયા હતા, આજે રિક્વરી રેટ સુધરીને 74.46 ટકા થયો છે.1,47,499 એક્ટિવ કેસ અને 747 વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લાખ 7 હજાર 422ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.