Sat. Nov 2nd, 2024

અમદાવાદમાં બોગસ ડોક્ટરે 15 દિવસ કોરોના પીડિતની સારવાર કરી 1.5 લાખ વસૂલ્યા,દર્દીનું મોત થતાં ભાંડો ફૂટ્યો

અમદાવાદમાં કોરોનાના કપરા કાળમાં કેટલાક લેભાગુ તત્વો બોગસ ડોકટરો બની બેઠા છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યાં છે.  અમરાઈવાડીમાં મહિલાએ તેના પતિની સારવાર માટે ઘરે ડોક્ટર અને નર્સને બોલાવ્યા હતા. 15 દિવસ સુધી આ સારવાર ચાલી હતી પરંતુ મહિલાના પતિની તબિયતમાં સુધારો ન થતાં આખરે આ ડોક્ટર બોગસ હોવાની શંકા ગઈ હતી અને આ શંકા સાચી પણ પડી હતી. જેથી મહિલાએ રોજના રૂ. 10 હજાર એટલે કે 15 દિવસના દોઢ લાખ રૂપિયા ખર્ચા હોવા છતાં પણ ડોક્ટર યોગ્ય સારવાર ન આપી શકતા આખરે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ગુનો નોંધાવતા પોલીસે બેની અટકાયત કરી તપાસ શરૂ કરી છે. જ્યારે મહિલા આરોપી ફરાર છે. કોરોનાગ્રસ્ત પતિનું મોત થતાં હવે પોલીસ બેદરકારીનો ગુનો નોંધશે

પતિને હોમ ક્વોરન્ટીન કરી સારવાર ચાલુ કરી
શહેરના ખોખરા વિસ્તારમાં રહેતા મેઘાબેન સિરસાટના પતિ વિશાલભાઈ શાહીબાગમાં પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરે છે. તાજેતરમાં તેઓના પતિને શરદી ખાંસી અને તાવની બીમારી થઈ હતી અને સારું થતું ન હોવાથી તેઓને કોરોનાની અસર હશે તેમ લાગતા તેમનો સીટી સ્કેન રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં મેઘા બહેનના પતિ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જોકે તેઓના પતિની બીમારીની કોઈને ખબર ન પડે તે માટે હોમ ક્વોરન્ટીન કર્યા હતા અને ઘરે જ સારવાર કરાવવાનું નક્કી કર્યું હતું. પાડોશમાં રહેતા એક વ્યક્તિના માતાને કોરોના પોઝિટિવ હોવાથી ઘરે જ ડોક્ટર બોલાવી સારવાર કરાવતા હોવાની માહિતી મળતા મેઘા બહેનને પણ આ ડોક્ટરને બોલાવવાનું વિચાર્યું હતું.

નકલી ડોક્ટર રોજના રૂ. 10 હજારનો ચાર્જ લેતો
જેથી તેઓની પૂછપરછ કરી નરેન્દ્ર પંડ્યા નામના ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. આ નરેન્દ્ર પંડ્યાએ પોતે સ્પેશિયલ કોરોનાનો ડોક્ટર હોવાનું કહી મેઘાબહેનને પતિની સારવાર કરી સારા કરી દેશે તેવી વાત કરી રોજના 10000 રૂપિયા નક્કી કર્યા હતા હતા. બાદમાં આ નરેન્દ્ર પંડ્યાએ સારવાર શરૂ કરી હતી. નરેન્દ્ર પંડયાની સાથે એક નર્સ કે જેનું નામ રીનાબહેન હતું તે પણ મેઘાબહેનના ઘરે આવતી હતી અને મેઘાબહેનના પતિને બાટલો ચઢાવી ઇન્જેક્શન તથા દવા આપતી હતી અને રોજના 10000 રૂપિયા લઈને જતી હતી.

સારવાર છતાં કંઈ રાહત થઈ ન હતી
જ્યારે નરેન્દ્ર ત્રણ-ચાર દિવસે એકવાર વિઝિટ માટે આવતો હતો અને તેની સાથે સોહીલ નામનો એક વ્યક્તિ પણ આવતો હતો. સારવાર દરમિયાન તેઓ આશ્વાસન આપતા કે ચિંતા કરો નહીં તમારા પતિને સારું થઈ જશે મારા પર ભરોસો રાખો. મેઘાબહેનના પતિની આશરે પંદરેક દિવસ સુધી સારવાર ચાલી હતી. પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો અને તબિયત વધારે બગડવા લાગી હતી.

સગાસંબંધીઓ ડોક્ટરને સવાલ કરતા સંતોષકારક જવાબ ન આપતો
મેઘાબહેનના અન્ય સંબંધીઓ જ્યારે તેમના પતિની તબિયત અને ખબર અંતર જાણવા આવતા હતા, ત્યારે ડોક્ટર નરેન્દ્ર સાથે વાત થઈ હતી. ત્યારે આ ડોક્ટર નરેન્દ્ર મેઘાબહેનના સગા સંબંધીઓને સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી તેઓને વહેમ ગયો હતો અને તેઓ કઈ હોસ્પિટલમાંથી આવે છે અને કઈ ડીગ્રી ધરાવે છે તે બાબતે પૂછતાં તેઓએ જવાબ આપ્યો ન હતો અને ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા. જેથી આ ડોક્ટર પાસે કોઈ ડીગ્રી નથી પરંતુ તે ફ્રોડ છે તેવું લાગ્યું હતું.

નકલી ડોક્ટર સાથે અન્ય હોસ્પિટલની નર્સ પણ સામેલ થઈ
બાદમાં મેઘા બહેનના પાડોશીએ તાત્કાલિક 108 માં ફોન કરી પતિને સિવિલ હોસ્પિટલના 1200 બેડમાં લઇ જઇ દાખલ કર્યા હતા અને ડોક્ટર નરેન્દ્ર તથા તેની સાથે આવેલા ભાઈને બોલાવી તેઓને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જ્યાં ડોક્ટર નરેન્દ્ર પંડ્યા નકલી ડોક્ટર હોવાનું સામે આવ્યું હતું અને તેની સાથે આવતી નર્સ રીના કે જે વટવા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી સ્પર્શ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તથા નર્સ તરીકે નોકરી કરતી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે અન્ય એક શખ્સ કે જેનું નામ સોહિલ શેખ હોવાનું સામે આવ્યું હતું અને તે કોઈ હોસ્પિટલમાં નોકરી કરતો ન હતો. જેથી રોજના દસ હજાર લેખે 1 લાખ 50 હજાર રૂપિયા મેઘા બહેને ખર્ચ કર્યો હોવા છતાં તેમના પતિને સારવાર આપ્યા બાદ પણ તબિયતમાં સુધારો ન થતાં તેઓએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

Related Post

Verified by MonsterInsights